ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી
Live TV
-
ખેરવા, મહેસાણા: દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (VGS) આજે વૈશ્વિક રોકાણ લાવવા માટે વટવૃક્ષ બનીને મહત્વની ઇવેન્ટ સાબિત થઈ છે.
મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે યોજાઇ રહેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંગે મીડિયાને વિગતો આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ વાત જણાવી હતી.
રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન અને મુખ્ય ઉદ્દેશ
રાજપૂતે માહિતી આપતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યના કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, હાઇ કમિશનરો અને જાણીતા ઉદ્યોગકારોની હાજરીમાં આ રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે ટ્રેડ શો અને પ્રદર્શનને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ઉદ્યોગ મંત્રીએ રિજનલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ સ્પષ્ટ કર્યો:
"રિજનલ કોન્ફરન્સીસ દ્વારા અમે રાજ્યના ક્ષેત્રોની ઔદ્યોગિક અને આર્થિક તાકાત, રોકાણ માટેની તૈયારીઓ દર્શાવવાની સાથેસાથે ઉદ્યોગકારો, યુવા ઉદ્યોગસાહસિકો, લોકલ લીડરશિપ અને નાગરિકોની આકાંક્ષાઓને વેગ આપીને વિકાસ સ્થાનિક સ્તરે પહોંચાડવા માંગીએ છીએ. ઉત્તર ગુજરાતના કૃષિ સંબંધિત ઉદ્યોગો અને વેલ્યુ એડિસન આધારિત ઉદ્યોગોને આ કોન્ફરન્સ દ્વારા વેગ મળશે."
રોકાણ અને પ્રદર્શનની વિગતો
મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. ગત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 2600થી વધુ MoU અને રૂ. 45,000 કરોડથી વધુનું રોકાણ થયું હતું.
લગભગ 18 હજાર વર્ગ મીટરના વિશાળ પ્રદર્શન ક્ષેત્રમાં ટ્રેડ શૉનું આયોજન.કૃષિ, ખાદ્ય પ્રક્રિયા અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 400થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે.
MoU ઉદ્ઘાટન સમારોહમાં જ 19 થી વધુ MoU થયા છે, અને વધુ રોકાણ આવવાની સંભાવના છે. બે દિવસ દરમિયાન 50થી વધુ સેમિનાર યોજાશે, જેમાં અન્ય વિવિધ એમઓયુ થવાની શક્યતા છે. પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિવિધ એસોસિએશન, માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકો અને કોલેજના વિદ્યાર્થીઓ પ્રદર્શનની મુલાકાત લેશે.
રેલવે ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ
રાજપૂતે રેલવે ક્ષેત્રે પ્રગતિની વિગતો આપતા જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં રેલવેના 30થી વધુ મહત્વના પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જ્યારે 31થી વધુ પ્રોજેક્ટ્સનો સર્વે ચાલુ છે. ઉપરાંત, બુલેટ ટ્રેનની કામગીરી પણ પ્રગતિમાં છે. તેમણે ઉત્તર ગુજરાતમાં બહુચરાજીથી કડી સુધી રેલવે લાઇનના વિસ્તાર અંગે પણ માહિતી આપી હતી.
આત્મનિર્ભર ભારત તરફ પ્રયાણ
અંતમાં, મંત્રીએ આયાત ઘટાડવા અને લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવાના આયોજનો પર ધ્યાન આપીને સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા સૌને અનુરોધ કર્યો હતો.નોંધનીય છે કે: મહેસાણા બાદ આગામી સમયમાં રાજકોટ, સુરત અને વડોદરામાં પણ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવનાર છે.આ પ્રેસ બ્રિફિંગમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્રસચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશ્નર પી. સ્વરૂપ, અને INDEXTBના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત ઉપસ્થિત રહ્યા હતા.
