ગાંધીનગરમાં ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર સેમિનાર યોજાયો
Live TV
-
ગુજરાત સ્થિત MSMEsને રાષ્ટ્રીય સંરક્ષણ સંબંધિત ખરીદીઓ, ઇનોવેશન અને એક્સપોર્ટ સુધીની પહોંચ મળે અને તેઓ તેમાં ભાગીદારી કરી શકે તે સેમિનારનો ઉદ્દેશ
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા 11 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે ‘સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા’ વિષય પર એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો. આ સેમિનાર ભારત સરકારના સંરક્ષણ ઉત્પાદન વિભાગ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ, GCCI અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતનું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્ર ‘આત્મનિર્ભર ભારત’ના રાષ્ટ્રીય વિઝન અને વિકસિત ભારત @2047ના વ્યૂહાત્મક રોડમેપ દ્વારા સંચાલિત ઐતિહાસિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. આજે જ્યારે વધુ ને વધુ ખાનગી કંપનીઓ સંરક્ષણ સંસાધનોના ઉત્પાદનમાં જોડાઇ રહી છે, ત્યારે આ સંરક્ષણ ક્ષેત્રે એક આત્મનિર્ભર ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગો (MSMEs)ની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.
ગુજરાત, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, અદ્યતન ટેક્સટાઇલ્સ, અને સ્પેશિયાલિટી મટિરિયલ્સ જેવા ક્ષેત્રોમાં એક મજબૂત ઔદ્યોગિક આધાર ધરાવે છે, અને એટલે જ ભારતની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવામાં યોગદાન આપવા માટે ગુજરાત સજ્જ છે. પરંતુ, ગુજરાત સ્થિત ઘણા MSMEs માટે ડિફેન્સ સપ્લાય ચેઇન્સ એટલે કે સંરક્ષણ પુરવઠા શ્રૃંખલાઓ સાથેનું સંકલન મર્યાદિત રહે છે. આ મર્યાદાઓને દૂર કરવા માટે જ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારત આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આ સફરમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સંરક્ષણ ઉત્પાદન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને રાજ્યએ દર્શાવ્યું છે કે યોગ્ય નીતિઓ, માળખાગત સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ સાથે, આપણે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી શકીએ છીએ.”
કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સંયુક્ત સચિવ શ્રીમતી મનિષા ચંદ્રા (IAS)એ ‘એરોસ્પેસ અને સંરક્ષણમાં આત્મનિર્ભરતા અને ગુજરાતની ક્ષમતા’ પર સંબોધન કર્યું હતું, જ્યારે ભારત સરકારના ડિફેન્સ પ્રોડક્શનના સચિવ શ્રી સંજીવ કુમાર (IAS) દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડેન્ટ શ્રી બળદેવભાઈ પ્રજાપતિએ પણ કાર્યક્રમમાં વિશેષ સંબોધન આપ્યું હતું.
ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “ગુજરાતમાં અત્યારે આ ક્ષેત્રમાં 1000થી વધુ સ્ટાર્ટઅપ અને 16 હજાર MSME કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રની ક્ષમતાને ઉજાગર કરવાની ગુજરાતમાં વિશાળ સંભાવના છે. ભારતમાં આ ક્ષેત્રમાં મોટાપાયે કામ થયું છે અને આ ક્ષેત્રની ક્ષમતાઓને ઉજાગર કરવા માટે સરકારી યોજનાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ અને નીતિઓનો લાભ લેવો જોઈએ.”
આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન, સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી લોકેશ કુમાર શર્મા દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં MSMEsની ભૂમિકા પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ડિફેન્સ સેક્ટરમાં કાર્યરત એક સ્ટાર્ટઅપ સ્વદેશી એમ્પ્રેસા પ્રા.લિ. દ્વારા સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
