વડનગરમાં શ્રાવણ ઉત્સવ નિમિત્તે શિવવંદના અને ડાયરાની રમઝટ
Live TV
-
વડનગરમાં શ્રાવણ ઉત્સવ નિમિત્તે શિવવંદના અને ડાયરાની રમઝટ
વડનગરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ‘વડનગરનો વારસો’ કાર્યક્રમ અંતર્ગત શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાટકેશ્વર મહાદેવ પરિસર ખાતે શિવવંદના અને ડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પદ્મ ભૂષણ હેમંત ચૌહાણ, ભાવના નાયક અને હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા સહિતના કલાકારોએ પોતાની કળાથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સહયોગી સંસ્થાઓ અને કાર્યક્રમની રૂપરેખા
આ કાર્યક્રમનું આયોજન રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર, ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને વડનગર વિકાસ સમિતિના સહયોગથી કરવામાં આવ્યું હતું. ડાયરાની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
કલાકારોની પ્રસ્તુતિ
શ્રાવણ ઉત્સવના ડાયરામાં કલાકારોએ શિવ તાંડવ, શિવ વંદના, શિવ મહિમા અને ભક્તિ ગીતો તેમજ ગુજરાતી લોકસંગીતના સુરોની રમઝટ બોલાવી હતી. હેમંત ચૌહાણ અને ભાવના નાયકે લોકગીતો અને ભક્તિગીતો રજૂ કરીને શિવભક્તોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ પોતાની કોમેડીથી ઉપસ્થિત શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા.
મહાનુભાવો અને શિવભક્તોની હાજરી
આ ભક્તિસભર કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, વડનગર તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, મહેસાણા જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ કમલ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી મહેશ પટેલ, વડનગર નગરપાલિકા પ્રમુખ મિકિતાબેન શાહ, વડનગર શહેર ભાજપ પ્રમુખ અને હાટકેશ ટેમ્પલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. વડનગર અને આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સંગીતના તાલે અને સુરના સંગમ પર ઉપસ્થિત માનવમેદની ઝૂમી ઊઠી હતી.
