ગાંધીનગર: "એક કદમ યોગમય વિધાનસભા તરફ" – લોકપ્રતિનિધિઓના માધ્યમથી ગુજરાતને મેદસ્વીતા મુક્ત કરવાનો નિર્ધાર
Live TV
-
ગાંધીનગર: "એક કદમ યોગમય વિધાનસભા તરફ" – લોકપ્રતિનિધિઓના માધ્યમથી ગુજરાતને મેદસ્વીતા મુક્ત કરવાનો નિર્ધાર
રાજ્યના પાટનગરમાં નવા MLA આવાસ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક વિશેષ યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "એક કદમ યોગમય વિધાનસભા તરફ" ના શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 'વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે યોગને જન-આંદોલન બનાવવાનો છે.
'સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં વધતી જતી મેદસ્વીતા (Obesity) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ચિંતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચાલુ વર્ષને 'સ્વસ્થ ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' અભિયાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ અને રમતગમત મંત્રી જયરામભાઈ ગામિતના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ આ અભિયાનને સફળ બનાવવા સમગ્ર રાજ્યમાં કાર્યરત છે.
ધારાસભ્યો માટે 'એક બૂથ, એક યોગ ક્લાસ'નું લક્ષ્ય
આ કાર્યક્રમ દ્વારા રાજ્યના તમામ ધારાસભ્યોને એક નવો અભિગમ અપનાવવા આહવાન કરવામાં આવ્યું છે. દરેક ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં 'એક બૂથ, એક યોગ ક્લાસ' શરૂ કરે. પોતાની વિધાનસભાને સંપૂર્ણ 'યોગમય વિધાનસભા' તરીકે પ્રસ્થાપિત કરે. સાત્વિક આહાર અને યોગ દ્વારા નાગરિકોને મેદસ્વીતા અને અન્ય રોગોથી મુક્ત કરવામાં મદદરૂપ બને.
50 લાખથી 5 કરોડ નાગરિકો સુધી પહોંચવાનું લક્ષ્ય
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયું હતું કે, અત્યાર સુધીમાં બોર્ડે 50 લાખથી વધુ નાગરિકોને યોગ સાથે જોડવામાં સફળતા મેળવી છે. હવે ધારાસભ્યોના સહયોગથી આ આંકડો 5 કરોડ નાગરિકો સુધી પહોંચાડવાનું ભવ્ય લક્ષ્ય રાખવામાં આવ્યું છે."સ્વસ્થ મન અને સ્વસ્થ તન" સાથે રાજ્યની વિકાસયાત્રાને વધુ વેગવંતી બનાવવા માટે યોગને માત્ર કસરત નહીં, પણ જીવન જીવવાની પદ્ધતિ તરીકે સ્વીકારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
