ગુજરાતના 4 મોટા શહેરોમાં ખુલશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’
Live TV
-
ગુજરાતના 4 મોટા શહેરોમાં ખુલશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે. આ મોલ સ્થાનિક કારીગરો અને મહિલા સ્વ-સહાય જૂથો માટે ઉત્પાદનો વેચવાનું કાયમી અને આધુનિક પ્લેટફોર્મ બનશે.
શું છે ‘નમો સ્વદેશી અર્બન મોલ’ યોજના?
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ અમલમાં આવનારી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે એક સુવ્યવસ્થિત બજાર ઊભું કરવાનો છે. અત્યાર સુધી મેળાઓ પૂરતું મર્યાદિત વેચાણ હવે બારેમાસ આધુનિક મોલ સંસ્કૃતિ દ્વારા થશે. સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગકારો, શેરી ફેરિયાઓ અને ખાસ કરીને મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) ને આ મોલમાં પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક મળશે. ગ્રાહકો અને ઉત્પાદકો વચ્ચે સીધું જોડાણ થવાથી વચેટિયાઓ દૂર થશે અને કારીગરોને પૂરો નફો મળશે.
બજેટમાં ₹45 કરોડની જોગવાઈ
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં આ યોજના અને સ્વદેશી મેળાઓના આયોજન માટે ₹45 કરોડ ફાળવવામાં આવ્યા છે. અગાઉ 16 મહાનગરપાલિકાઓમાં યોજાયેલા ‘પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી ફેસ્ટિવલ’ની ભવ્ય સફળતા બાદ સરકારે હવે કાયમી મોલ બનાવવાની દિશામાં કદમ વધાર્યા છે.
‘વોકલ ફોર લોકલ’ને મળશે નવી ઊંચાઈ
આ મોલ માત્ર વેચાણ કેન્દ્ર જ નહીં, પરંતુ એક સાહસિક હબ તરીકે પણ કાર્ય કરશે. ગ્રાહકોને હસ્તકલા, ખાદ્ય સામગ્રી અને અન્ય સ્વદેશી ચીજો એક જ છત નીચે મળશે. મોલના પરિસરમાં સમયાંતરે ખાસ હાટ અને પ્રદર્શનો પણ યોજાશે. આ પહેલ દ્વારા વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રાસરૂટ લેવલના અર્થતંત્રને મજબૂત કરવામાં આવશે.
