ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું છે કે, પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત થાય અને સામાન્ય નાગરિકોને પોલીસ સાથે જોડાવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવું વાતાવરણ નિર્માણ કરવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "પ્રજા સાથેનો સુદ્રઢ સંપર્ક અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ એ જ ક્રાઇમ કંટ્રોલ માટેની આપણી શ્રેષ્ઠ આઇ.બી. છે."
ગાંધીનગરમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત બે દિવસીય 'રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સ' નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ પોલીસ દળને મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવર્તતી શાંતિ, સલામતી અને સુરક્ષાને કારણે જ આજે રાજ્ય 'વિકાસના રોલ મોડલ' તરીકે સ્થાપિત થયું છે. વૈશ્વિક કંપનીઓ અને ઉદ્યોગો પણ સુરક્ષિત વાતાવરણને કારણે જ ગુજરાતમાં રોકાણ માટે પસંદગી ઉતારે છે. આ સફળતાનું શ્રેય તેમણે ગુજરાત પોલીસની સતર્કતા અને નિષ્ઠાને આપ્યું હતું.
વર્તમાન સમયના પડકારો અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુનાખોરી ડામવા માટે પોલીસ હવે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, પરંતુ ગુનેગારો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.પોલીસ દળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધારવા, સાયબર ક્રાઇમ અટકાવવા અને કોસ્ટલ સિક્યુરિટીને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.પોલીસિંગની વ્યવસ્થાઓ છેક ગ્રામ્ય સ્તર સુધી સમાન રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી.મુખ્યમંત્રીએ એક માનવીય અભિગમ અપનાવતા સૂચન કર્યું હતું કે, ડ્રગ્સના વ્યસને ચડેલા યુવાનોને માત્ર સજા કરવાને બદલે પ્રેમથી સમજાવીને યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા મુખ્યધારામાં પાછા લાવવા માટે પોલીસે પ્રયત્નો કરવા જોઈએ.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, પોલીસે અસામાજિક તત્વો અને સાયબર ગુનેગારો સામે 'હલ્લાબોલ' બોલાવીને ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. આ કોન્ફરન્સમાં જૂનિયરથી લઈને સિનિયર IPS અધિકારીઓના નવા આઈડિયા અને 'બેસ્ટ પ્રેક્ટિસિસ' ના આદાન-પ્રદાનથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનશે.આ બે દિવસીય કોન્ફરન્સમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બોર્ડર સિક્યુરિટી, ક્રાઇમ ડિટેક્શન, અને નાર્કોટિક્સ જેવા વર્તમાન પડકારો પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
