ગાંધીનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ
Live TV
-
લોકશાહીના મહાપર્વને ઉજવવા ચોતરફ થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાના મોટા ઈસનપુરની પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. જિલ્લા ચુંટણી અધિકારી મેહુલ દવે તથા જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જીજ્ઞાસા વેગડાની અધ્યક્ષતામાં સખી મંડળની બહેનોએ સુત્રોચ્ચાર સાથે મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. 'યુવા શક્તિના છે ત્રણ કામ,શિક્ષણ સેવા અને મતદાન' ,'મારો મત મારી ઓળખ', 'ન વ્યસનથી નતો ફેશનથી યુવાનોનું ભાગ્ય બદલાશે મતદાનથી', 'આળસ કરીશ નહીં, ફરજથી ડગીશ નહીં, મતદાન ચૂકીશ નહીં' જેવા અવનવા પ્રેરણાત્મક સ્લોગન સાથે મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો.
'હોળી, દિવાળી ,ક્રિસ્મસ જેમ આ ચુંટણી લોકશાહીનો તહેવાર જો...તમે દેશના રે હિતમાં રે મતદાન આપજો...' જેવા ગરબા સાથે નાગરિકોને મતદાન અંગે સંદેશ પાઠવ્યો હતો. મહિલાઓએ ગરબા સાથે સાથે પોતે મતદાન કરવા અને અન્યને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.ઉપરાંત મહિલાઓએ 'મારો મત મારો અધિકાર'ની મહેંદી મુકી અવશ્ય મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ ઢોલ નગરાના નાદ સાથે ઘર આંગણે આવેલા ચૂંટણી પ્રસંગને વધાવી લેવા અપીલ કરી હતી. આ અવસર માં જોડાવાના સંદેશ સાથે રેલી પણ યોજી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જીજ્ઞાસા વેગડાએ હાજર મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપના ગામમાં અન્યની સરખામણીએ મહિલા મતદારો 10 ટકા ઓછુ મતદાન કરતાં હોવાનું નોંધાયું છે, ત્યારે પોતાના મતમાં જે તાકાત છે તેને સમજી ખાસ બહેનોના કિસ્સામાં મતદાન વધે તેવા પ્રયાસો કરવાના છે. ક્યારેય એવું ન વિચારવું કે ગરમી છે ,ઘરના કામ બાકી છે તો મતદાન કરવા નથી જવું. મતદાનની કિંમત સમજી આ વખતે 100 ટકા મતદાન કરી અને કરાવી મહિલા શક્તિનો પડઘો પડવાનો છે. જે 10 ટકા ઓછું મતદાન છે તેને બદલી સો ટકા મતદાન કરવા તરફ લઈ જવાનું છે. તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
