ગાંધી જયંતિ નિમિત્તે વડોદરાના એક જ ખાદી ભંડારમાંથી 23 લાખની ખાદીનું વેચાણ
Live TV
-
મહાત્મા ગાંધી બાપુની 150મી જન્મજયંતિ નિમિત્તે ખાદીની દુકાનોમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી. ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ખાદીની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો નાગરિકો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યાં છે.
ગાંધી જયંતિ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર ગાંધી બાપુને અંજલિ અર્પણ કરતાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. દેશમાં અન્ય કાપડ તેમજ વિદેશી બ્રાન્ડ સામે ગાંધીજીને પ્રિય એવી ખાદીને વધુ પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા દર વર્ષે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિએ ખાદીની ખરીદી પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. તે પ્રમાણે ચાલુ વર્ષે પણ ખાદી પર 35 ટકા જેટલું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેને પગલે વડોદરામાં ખાદીની દુકાનોમાં ખાદી ખરીદવા ભીડ જોવા મળી રહી છે. શહેરનાં નગરજનો પણ ખાદી ખરીદવા માટે રાવપુરા વિસ્તારમાં આવેલ ખાદી ગ્રામોદ્યોગ ભવન પર ભીડ કરી હતી. યુવાનો ,યુવતીઓ, મહિલાઓ તેમજ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો પણ 35 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે ખાદી ભંડારે પહોંચ્યા હતા.
ખાદીમાં વિવિધ પ્રકારની 54 જેટલી વેરાયટી અહીં જોવા મળે છે.સાઉથ,વેસ્ટ બંગાળ,યુપી, એમપી, મહારાષ્ટ્ર,અને ગુજરાતની ખાદીના વિવિધ પ્રકારના વસ્ત્રો અહીં વેચવામાં આવી રહ્યા છે. ગાંધી જયંતીના દિવસે ખાદી ખરીદવા માટે ભારે ધસારો રહ્યો હતો અને 23લાખ રૂપિયા ની ખાદી નું વેચાણ એક જ કેન્દ્ર માં થયું હતું. 35 ટકા ડિસ્કાઉન્ટ નો લાભ 31 ડિસેમ્બર સુધી જનતાને મળશે.લોકોના ધસારા ને પહોંચી વળવા માટે મેનેજર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
