ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો
Live TV
-
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લોકોએ અનુભવી ઠંડક.
રાજ્યભરમાં ગરમીએ માજા મુકી, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, એવામાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ છે. લોકોએ ગરમીમાંથી અચાનક છૂટકારો મળતા રાહતનો શ્વાસ લીધો છે. આ બાજુ ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છવાઈ ગયો છે.
અમરેલીના સાવરકુંડલાના ગામામો ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. સાવરકુંડલાના આસપાસના ગામમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાવરકુંડલાની નાવલી નદીમાં પુર આવતા એક કાર તણાઈ હતી. જયારે સાવરકુંડલા શહેરના આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં વંડા, મેકડા, ફિફાદ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં પણ ભારે પવન સાથે વાદળ છાયુ વાતાવરણ સર્જાયું છે. આ સાથે અમરેલી તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદી ઝાપડા પડતા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોએ વાવણી માટેની તૈયારી શરૂ કરતા જ વરસાદ આવવાથી ખેડૂતોમાં પણ આનંદ છવાઈ ગયો છે.
ભાવનગરના ગારીયાધારમાં પણ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગર જીલ્લામાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અને બપોરે અચાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી ગઈ છે. લોકોને ગરમીથી રાહત મળતા આનંદ છવાયો છે. અચાનક વરસાદ પડતા જનજીવન પર પણ અસર પડી હતી, વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,
ડાંગ જીલ્લામાં પણ વરસાદનું આગમન જોવા મળ્યું છે. ડાંગ જીલ્લામાં આવેલ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ડાંગ જીલ્લામાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે. સાથે અચાનક વરસાદી ઝાપટા શરૂ થતાં સાપુતારાની સુંદરતામાં વધારો થઈ ગયો છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં પણ બે-ત્રણ દિવસ વહેલુ ચોમાસુ બેસશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસુ આવી જસે. પરંતુ રાજ્યમાં સૌરાષ્ટ્ર પંથક તથા દક્ષિણ ગુજરાતમાં અત્યારથી વરસાદી માહોલ સર્જાઈ જતા. સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ આજે ઘટ્યું છે. કાળઝાળ ગરમીથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે વાતાવરણમાં પલડો થયો હતો. જેના પગલે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરતની વાત કરીએ તો સુરત સહિત બારડોલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. તો તાપી જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાયો હતો. સાથે વરસાદી ઝાંપટાં પણ પડ્યા હતા. તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડામાં ભારે પવન સાથે વરસાદ પડતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. ભરૂચ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતો.
