ગુજરાતના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’
Live TV
-
ગાંધીનગર : દેશમાં સુશાસનના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી એટલે કે 25 ડિસેમ્બરને ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર નાગરિકોના સર્વાંગી કલ્યાણ માટે કટિબદ્ધ છે. આ દિશામાં શિક્ષણ અને પોષણના સમન્વય રૂપી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’એક મહત્વનું સોપાન સાબિત થઈ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન ઉપરાંત હવે તાજો અને પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે. આનાથી બાળકોમાં પોષણનું સ્તર સુધર્યું છે અને શાળાઓ પ્રત્યે તેમનો લગાવ પણ વધ્યો છે.” રાજ્ય સરકાર શાળાઓમાં માત્ર ભોજન જ નહીં, પરંતુ આધુનિક ક્લાસરૂમ, પરિવહન અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ માટે પણ એટલી જ ગંભીર છે.
11 ડિસેમ્બર 2024 ના રોજ આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજ્યની 32,265 પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને સરેરાશ 200 કિલોકેલરી અને 6 ગ્રામ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક અલ્પાહાર પીરસવામાં આવે છે.અલ્પાહારમાં સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ અને મિલેટ (બાજરી-જુવાર) માંથી બનેલી વાનગીઓનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારે આ યોજના માટે ₹617.67 કરોડની માતબર રકમ ફાળવી છે.
દહેગામ તાલુકાની અહમદપુર પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ હસમુખ પટેલે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, “ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતા મજૂરીકામ માટે વહેલા નીકળી જતા હોય છે, તેથી બાળકો ઘણીવાર નાસ્તો કર્યા વગર શાળાએ આવતા હતા. હવે ગરમ અને પૌષ્ટિક અલ્પાહાર મળવાને કારણે બાળકોની હાજરી વધી છે અને કુપોષિત બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.”પી.એમ. પોષણ યોજના હેઠળ બપોરના ભોજન ઉપરાંત બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપનાર ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના વિઝનને સાકાર કરી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના 3 વર્ષના કાર્યકાળમાં લોકકલ્યાણની આ યોજના સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
