ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ બનીએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ વિષય અંગે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યપાલે રાજ્યના તમામ 33 જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને કૃષિ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને.
રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં ૨૪ ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે ૧,૬૦,૦૦૦ કરોડનો આર્થિક બોજ ઉઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતુ જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નહીવત આવે છે. જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે અને પાણીનો વપરાશ ૫૦ ટકા સુધી ઘટાડી શકાય છે.
પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની દિન પ્રતિદિન માગ વધતી જાય છે અને સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. તેમણે જણાવ્યુ હતું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદન ઘટતું નથી. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને લોકોની સ્વાસ્થ્ય રક્ષા માટેનું ઈશ્વરીય કાર્ય ગણાવી, ઉપસ્થિત જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમ જ સબંધિત અધિકારીઓને રાજ્યના પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનમાં પૂર્ણ મનોભાવથી સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રત્યેક જિલ્લામાં દેશી ગાય ધરાવતા અથવા દેશી ગાયના પાલનપોષણ માટે પ્રતિમાસ રૂ. ૯૦૦ ની સહાય મેળવતા ખેડૂતોનો સંપર્ક કરી તેઓ પ્રાકૃતિક કૃષિ કરે છે કે નહીં તેની માહિતી મેળવવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન દ્વારા તેમને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવે.
રાજ્યપાલે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જિલ્લામાં ખેડૂત સંમેલનો યોજવા અનુરોધ કર્યો હતો. તેમણે પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાનની પ્રગતિ માટે પ્રતિ માસ સંબંધિત અધિકારીઓની સમીક્ષા બેઠક યોજવા પણ માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળમાં જીવામૃત-ઘન જીવામૃત તૈયાર કરી જરૂરતમંદ ખેડૂતોને પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવા પ્રાકૃતિક કૃષિ કરનારા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા અન્ય ખેડૂતો સુધી પહોંચાડી પ્રેરણા પૂરી પાડવા અને પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવા જિલ્લાના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલે આ તકે ઉમેર્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે પ્રધાનમંત્રીએ પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો અનુરોધ કર્યો છે, ત્યારે ગુજરાતના પ્રત્યેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રના શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરમાં ઉદાહરણરૂપ કાર્ય કરશે તેવો દૃઢ વિશ્વાસ પણ રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા ત્રણ પાયા પર વિકાસની બુનિયાદ બુલંદ બની શકે તેની વિભાવના આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી-રસાયણમુક્ત ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય અને આવી ખેતીના ઉત્પાદનોથી માનવીનું સ્વાસ્થ્ય સુધરી શકે તે નિશ્ચિત છે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક ખેતીનું આ એવું મોટું કામ છે જે આખી પેઢી યાદ કરશે અને આજની તથા આવતીકાલની પેઢીને આપણે સ્વાસ્થ્ય સુરક્ષાની મોટી ભેટ આપી શકીશું.
