કેવડિયા ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની ચિંતન શિબિર યોજાઈ
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠક રૂપે ચિંતન શિબિર-2022 ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં શરુ થઇ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ 25 રાજ્યોના આરોગ્ય મંત્રીઓ કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં પ્રથમ વખત આવી સ્વાસ્થ્ય ચિંતિન શિબિરનું આયોજન થઇ રહ્યું છે. આ રાષ્ટ્રીય ચિંતન શિબિરમાં આરોગ્ય વિષયક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીને સ્વસ્થ ભારતના નિર્માણ માટેનો રોડ મેપ તૈયાર કરશે. શિબિરમાં આજે 'એફોર્ડેબલ અને ઍક્સિસેબલ હેલ્થ કેર ફોર ઓલ' એ વિષય ઉપર મંથન થશે. ગઈકાલના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, પાછલા અઢી વર્ષમાં કોરોના મેનેજમેન્ટ અને રસીકરણમાં ભારતે ખુબ સરાહનીય કાર્ય કર્યું છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સેશનમાં જણાવ્યું કે, મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત મુહિમના પરિણામે દ્રષ્ટિ ખામીને મહદ્અંશે દૂર કરવાનો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. ગુજરાતમાં 10 વર્ષમાં 73 લાખ જેટલા મોતીયાનાં ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતીઓ વચ્ચે પણ 10 લાખ જેટલા મોતીયાના ઓપરેશન સફળતાપૂર્વક કરીને ગુજરાતે અંધત્વમુક્ત ગુજરાત માટેની પ્રતિબધ્ધતા દર્શાવી છે. તેમણે આ સેશનમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળની મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશની કામગીરીનો ચિતાર કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો.
મંત્રીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ હેઠળ તમામ પ્રવૃતિઓમાં લક્ષ્યાંક સિધ્ધ કરીને ગુજરાત રાજ્ય દેશના સર્વોચ્ય ત્રણ રાજ્યોમાં પોતાનું સ્થાન છેલ્લા દાયકામાં નિયત કર્યું છે. રાજ્ય દ્વારા દ્રષ્ટિ સારવાર માટે અત્યાધુનિક તકનિકી ઉપકરણો સાથેના ઓપરેશન થિયેટર, ઓ.પી.ડી. વિભાગ જેવા ખાસ માળખાકીય સુવિધાઓ તેમજ નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2014 થી અત્યંત આધુનિક એવા હાઇડ્રોફોબિક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે મોતીયાના ઓપરેશનમાં મૂકવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી સંસ્થાઓમાં આ પ્રકારના ઓપરેશનનો અંદાજીત ખર્ચ 50 થી 70 હજાર થતો હોય છે. મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ગ્રામ્ય સ્તરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઓપરેટીંગ સેન્ટર સાથે જોડીને દર્દીઓને ઘરઆંગણે જ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બેસ્ટ પ્રેક્ટિસીસ સેશનમાં મેઘાલય દ્વારા મધર સેવીંગ લાઇવ્સ, મહારાષ્ટ્ર દ્વારા સ્વસ્થ પાલક, સ્વસ્થ બાલક, અરૂણાચલ પ્રદેશ દ્વારા અંધત્વમુક્ત અભિયાન સંદર્ભે, દિલ્હી દ્વારા હોમ આઇસોલેશન સર્વિસ ફોર કોવિડ-19 પેશન્ટ, ઉત્તર પ્રદેશ દ્વારા સંચારી રોગ અભિયાન સંદર્ભે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
