Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 'કૃષિ વિકાસ દિન'ની ઉજવણી: ડાંગના મંગીબેન પ્રાકૃતિક ખેતીથી બન્યા લખપતિ દીદી, શ્રીઅન્નના મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવી આપી નવી દિશા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે, 14 ઓક્ટોબરનો દિવસ રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિને ધ્યાનમાં રાખીને ‘કૃષિ વિકાસ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કર્યા છે, જેના પરિણામે રાજ્યના ખેડૂતો ટકાઉ કૃષિ પદ્ધતિ અપનાવીને નફો મેળવી રહ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

    ‘આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ’થી આદિવાસી ખેડૂતોના જીવનમાં પરિવર્તન

    પ્રાકૃતિક કૃષિની વાત આવે ત્યારે, વર્ષ 2021માં જે જિલ્લાને સંપૂર્ણપણે રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરાયો હતો તે ‘આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાનનો ઉલ્લેખ અનિવાર્ય છે. આ પહેલે ડાંગના આદિવાસી ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. આ જ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવીને આહવા તાલુકાના ધવલીદોડ ગામના મંગીબેન ખાસ આજે એક સફળ લખપતિ દીદી તરીકે ઉભરી આવ્યા છે.

    શ્રીઅન્ન (નાગલી)ના મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાનું સાહસ

    મિશન મંગલમ (NRLM) હેઠળ સ્વ-સહાય જૂથ માં જોડાયા બાદ, મંગીબેને ડાંગની સમૃદ્ધ વન પેદાશોનું મહત્ત્વ સમજીને એક નવું સાહસ શરૂ કર્યું. તેમણે ડાંગમાં થતા અત્યંત પૌષ્ટિક શ્રીઅન્ન, નાગલી (રાગી)ની ખેતી અને પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મંગીબેને તેમના જૂથ સાથે મળીને નાગલીમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું.

    સ્વ-સહાય જૂથમાં જોડાતા પહેલાં એક સિઝનલ ખેતમજૂર તરીકે કામ કરતા મંગીબેનના જીવનમાં વળાંક ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (RSETI) તરફથી શ્રીઅન્નની પ્રોસેસિંગમાં મળેલી નિ:શુલ્ક તાલીમથી આવ્યો. તાલીમ બાદ તેઓ નાગલી લોટ, લાડુ, કૂકીઝ અને સ્વાસ્થ્યપ્રદ મિશ્રણ બનાવતા શીખ્યા. ગુજરાત સરકારે ડાંગને સંપૂર્ણપણે રસાયણ મુક્ત જિલ્લો જાહેર કર્યો ત્યારે મંગીબેને નાગલીની ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યું, જેનાથી ઉત્પાદનોની પોષણ મૂલ્ય અને બજાર મૂલ્ય બંને વધ્યા.

    દર મહિને ₹60,000નું વેચાણ: સમૃદ્ધિ લાવી પ્રાકૃતિક કૃષિ

    મંગીબેને ઉદ્યોગ શરૂ કર્યાના પ્રથમ માસમાં જ ₹15,000ના ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને તેમણે પોતાના સ્વ-સહાય જૂથમાંથી વધુ 10 મહિલાઓને આ પ્રવૃત્તિમાં સામેલ કરી. આજે તેમનું યુનિટ દર મહિને ₹60,000 સુધીના નાગલીના પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે અને ₹20,000ની માસિક આવક મેળવે છે. સરકારના સહયોગથી તેઓ વિવિધ પ્રદર્શનો અને મેળાઓમાં ભાગ લે છે, બજારને વિસ્તૃત કરે છે અને પ્રાકૃતિક ખેતીના રાષ્ટ્રીય મિશન હેઠળ બ્રાન્ડિંગ અને પ્રમોશન પહેલોનો લાભ મેળવે છે.

    મંગીબેનની ખેતમજૂરથી એક ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણાદાયી સફર 'લખપતિ દીદી'ની પહેલને ઉજાગર કરે છે. તેમની આ સિદ્ધિ દર્શાવે છે કે, પ્રાકૃતિક ખેતીનો માર્ગ ડાંગની મહિલાઓ માટે નિયમિત રોજગારીનું માધ્યમ બન્યો છે અને સ્થાનિક સંસાધનોના ઉપયોગ દ્વારા વિકાસનું એક ટકાઉ મોડેલ પણ સ્થાપિત કરે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply