ગુજરાતમાં પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે સહાયની કામગીરી કરાઈ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Live TV
-
રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ચૂકવવામાં આવેલી રાહત સહાય વિશે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સહાયની કામગીરી હાથ ધરીને તમામ અસરગ્રસ્તોને રાહત સહાય ચૂકવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વલસાડ, નવસારી અને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલી પડી છે, ત્યાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે.
આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને ધ્યાને રાખી અત્યંત સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગત વર્ષે રાજ્ય સરકારે ખેડૂતોને થયેલા નુકસાનની પૂરેપૂરી ભરપાઈ કરવાના ઉદ્દેશ્ય સાથે ₹10,000 કરોડનું માતબર બજેટ પેકેજ ચૂકવ્યું છે. તેમણે કહ્યું કે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને એસ.ડી.આર.એફ. (SDRF)ના સામાન્ય ધોરણો કરતાં પણ વધુ, એટલે કે બમણી રકમની સહાય ચૂકવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એસ.ડી.આર.એફ.ના ધોરણોમાં કરવામાં આવેલા વ્યાપક સુધારાને કારણે હવે રાજ્યને પહેલાં કરતાં 4 થી 5 ગણી વધુ રકમ ફાળવવામાં આવે છે. જેનાથી આપત્તિના સમયે વહીવટી તંત્ર ત્વરિત મદદ પહોંચાડી શકે છે.
રોકડ અને ઘરવખરી સહાયની વિગતો આપતાં મંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે પૂરને કારણે જે વ્યક્તિઓ પોતાના વ્યવસાય કે નોકરી પર જઈ શક્યા નથી, તેવા પ્રત્યેક વ્યક્તિ દીઠ દૈનિક ₹300 લેખે સહાય આપવામાં આવે છે. એક પરિવારમાં વધુમાં વધુ બે વ્યક્તિઓને ત્રણ દિવસ માટે આ સહાય મળવાપાત્ર છે. જે મુજબ કુલ ₹1800ની રોકડ સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત, અગાઉ ઘરવખરી માટે અપાતી રકમ વધારીને હવે ₹2500 કરવામાં આવી છે. આ ઉપરાંત કપડાં વગેરે માટે પરિવાર દીઠ રૂ.2500 આમ અસરગ્રસ્ત પ્રતિ પરિવારને કુલ મળીને રૂ. 6800/-ની સહાય આપવામાં આવે છે.
વધુમાં, ભવિષ્યમાં જરૂર જણાયે તેમાં હજુ પણ વધારો કરવાની સરકારની તૈયારી છે તેમ તેમણે ઉમેર્યું હતું. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ વલસાડ તથા નવસારીમાં ભારે વરસાદ-પૂરથી અસરગ્રસ્તોને છેલ્લાં બે વર્ષમાં અત્યાર સુધીમાં સુધીમાં રૂ.163.68 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.જે અંતર્ગત, ગત તા. 1 ઑગસ્ટ, 2024થી તા. 31 જુલાઈ, 2026 દરમિયાન વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ તેમજ પુરથી અસરગ્રસ્ત થયેલા કુલ 2,40,062 જેટલા લોકોને ખેતી, ઘરવખરી, મકાન, મૃત્યુ, ઈજા વગેરે પેટે જિલ્લાવાર સહાય પેકેજ અને ભારત સરકારના એસડીઆરએફ ધોરણો મુજબ આ સહાય ચૂકવવામાં આવી છે. તેમાં વલસાડ જિલ્લામાં 88,368 અસરગ્રસ્ત લોકોને કુલ રૂ. 73,56,71,335 તથા નવસારી જિલ્લામાં 1,51,694 અસરગ્રસ્તોને કુલ રૂ. 68,75,50,358ની સહાયનો સમાવેશ થાય છે.
આ માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં સરવેની કામગીરી અત્યંત વેગથી પૂર્ણ કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં બે-બે IAS અધિકારીઓ સાથે 25 સભ્યોની ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પૂરના પાણી ઉતર્યાના માત્ર 18 કલાકમાં જ ગામડે-ગામડે જઈને લોકોને સહાયની રકમ ચૂકવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે પશુધનને થયેલા નુકસાન માટે પણ તમામ જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે. આ માટેની સમગ્ર વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, કલેક્ટરોને સીધા જ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. જેથી લોકોને ત્વરિત મદદ મળી રહે.
સરકાર દ્વારા સહાયની રકમમાં પણ સમયાંતરે વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર પૂર પીડિતોની પડખે છે અને કોઈપણ સૂચનને હકારાત્મક રીતે લઈને સહાયની કામગીરી નિરંતર ચાલુ રાખશે અને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ પણ અસરગ્રસ્ત વ્યક્તિ સહાયથી વંચિત ન રહે તેમ તેમણે ઉમેર્યું હતું.
