ગુજરાતમાં આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Live TV
-
ગુજરાતમાં ચોમાસાની સિઝન હજુ પણ સક્રિય છે ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બંગાળની ખાડી તરફ સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના બાંગ્લાદેશ કિનારા પર ઉપરના સ્તરે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેની અસર હેઠળ આગામી સમયમાં ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં 'લો પ્રેશર' સર્જાવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે, જેના લીધે રાજ્યમાં વરસાદ માટેનું અનુકૂળ વાતાવરણ બન્યું છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ: આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ અને આસપાસનો વિસ્તાર: અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આગામી 13 સપ્ટેમ્બરના દિવસે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવા વરસાદની સંભાવના છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. તંત્ર દ્વારા નાગરિકોને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અને વાવાઝોડા કે વીજળીના સમયે સુરક્ષિત સ્થળોએ આશરો લેવા અપીલ કરવામાં આવી છે.
