ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત
Live TV
-
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત: ગરમીમાં આંશિક રાહત બાદ હવે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળઝાળ ગરમીમાંથી નાગરિકોને આંશિક રાહત મળી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે. જોકે, આ રાહતની સાથે જ હવામાન વિભાગે ચિંતાજનક સમાચાર આપ્યા છે. માર્ચ મહિનામાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે.
તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે અમદાવાદ, ગાંધીનગર, ભુજ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. આ શહેરોમાં પારો 40 ડિગ્રીથી ગગડીને 36 થી 37 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું હતું.
ત્રણ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,18, 19 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.
18 માર્ચના રોજ ક્યાં વરસાદ પડી શકે?
હવામાન વિભાગે 18 માર્ચ માટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
ખેડૂતો માટે ચિંતાના વાદળ
માર્ચ મહિનામાં પડી રહેલા આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને રવિ પાકના લણણીના સમયે માવઠું થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને તેમનો તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા અને એપીએમસીમાં ખુલ્લામાં પડેલા અનાજને ઢાંકવા માટે સૂચના આપવામાં આવી છે.
