ગુજરાતમાં માવઠાની આફત ટળી: હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે
Live TV
-
ગુજરાતમાં માવઠાની આફત ટળી: હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીના વધારાની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલા વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના ભય વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો આસમાને પહોંચશે.
આગામી 48 કલાકમાં ગરમી વધશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં ફરી વધારો નોંધાશે. બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે, જે ઉનાળાના આકરા મિજાજનો સંકેત આપી રહ્યું છે.
પવનની ગતિ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
રાજ્યમાં અત્યારે ઉત્તર-પશ્ચિમ દિશાથી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, સાત દિવસ બાદ જો ફરી 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થશે, તો વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે. ત્યાં સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં 34.9 ડિગ્રી, સુરતમાં 34.5, અમદાવાદમાં 34.2, વડોદરામાં 34.2, ડાંગમાં 34, કંડલામાં 34.7, ગાંધીનગરમાં 33.6, ભુજમાં 33.4, પોરબંદરમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
