ગુજરાતમાં હોમસ્ટે બનશે પ્રવાસન ક્ષેત્રની મહત્વપૂર્ણ કડી
Live TV
-
ગુજરાતમાં પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરા, જીવનશૈલી અને આતિથ્યનો નજીકથી અનુભવ મળે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2020થી હોમસ્ટે રજીસ્ટ્રેશન પોલિસી અમલમાં છે.
હોમસ્ટે દ્વારા પ્રવાસીઓને સ્થાનિક પરિવાર સાથે રહીને ગુજરાતી ભોજન, સંસ્કૃતિ અને જીવનશૈલીનો અધિકૃત અનુભવ મળી શકે છે.રાજ્યમાં હાલ 270 હોમસ્ટે નોંધાયેલા છે, જેમાં 255 સિલ્વર, 8 ગોલ્ડ અને 7 પ્લેટિનમ કેટેગરીના હોમસ્ટેનો સમાવેશ થાય છે. આગામી સમયમાં મોટા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો, ઉત્સવો અને પ્રવાસન આધારિત મહોત્સવોને કારણે વધારાની આવાસ સુવિધાની જરૂરિયાત ઊભી થવાની સંભાવના છે. આવા સમયે હોમસ્ટે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.
હોમસ્ટે ક્ષેત્રના વિકાસથી સ્થાનિક લોકો માટે રોજગારી અને વધારાની આવકની તકો ઊભી થવાની સાથે સ્થાનિક ભોજન, હસ્તકલા અને ઉત્પાદનોને પણ બજાર મળી શકે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને મહિલાઓ માટે આ ક્ષેત્ર નવી તકો ઊભી કરી શકે છે.હોમસ્ટે માલિકોને પ્રવાસન કમિશનરની કચેરી દ્વારા તાલીમ અને માર્કેટિંગ માર્ગદર્શન આપવામાં આવે છે. નોંધણી માટે નાગરિકો પ્રવાસન કમિશનરની કચેરીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી બાદ સ્થળની ચકાસણી કરીને સુવિધાઓના આધારે સિલ્વર, ગોલ્ડ અથવા પ્લેટિનમ કેટેગરી આપવામાં આવે છે.આ રીતે હોમસ્ટે ગુજરાતમાં સ્થાનિક સંસ્કૃતિ, આતિથ્ય અને રોજગારીને પ્રવાસન સાથે જોડતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.
