ગુજરાતમાં ‘PM ગરીબ કલ્યાણ અન્ન યોજના’ બની ગરીબોનું રક્ષાકવચ
Live TV
-
ગુજરાતમાં ‘PM ગરીબ કલ્યાણ અન્ન યોજના’ બની ગરીબોનું રક્ષાકવચ
ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMGKAY) આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જૂન 2026 સુધીના આંકડાઓ અનુસાર, રાજ્યના 3.24 કરોડથી વધુ નાગરિકો અને 75.25 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો સુધી 117 લાખ મેટ્રિક ટનથી વધુ મફત અનાજ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ઓનલાઈન વિતરણ અને આધુનિક ડિજિટલ ટેક્નોલોજીના સમન્વયથી ભ્રષ્ટાચાર અને કાળાબજાર નાબૂદ કરી સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં ગુજરાત સરકારે મોટી સફળતા મેળવી છે.
કોરોનાકાળથી શરૂ થયેલી અવિરત સેવા
કોરોના વૈશ્વિક મહામારીના કપરા સમયથી શરૂ થયેલી આ યોજના આજે પણ રાજ્યના ખૂણે-ખૂણે વસતા અંત્યોદય અને જરૂરિયાતમંદ પરિવારોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે. વિનામૂલ્યે અનાજ મળવાને કારણે સામાન્ય પરિવારોના ઘરનું બજેટ ખોરવાતું અટક્યું છે અને તેમને મોટી આર્થિક રાહત મળી છે.
e-POS અને આધુનિક ટેક્નોલોજીથી ભ્રષ્ટાચાર પર લગામ
અનાજ વિતરણ વ્યવસ્થાને ફૂલપ્રૂફ અને પારદર્શક બનાવવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. સરકારી અનાજની દુકાનો પર e-POS મશીન ફરજિયાત કરાતા અનાજનો બગાડ અને ગેરરીતિઓ સંપૂર્ણપણે અટકી ગઈ છે. જે લાભાર્થીઓની વધતી ઉંમર અથવા મહેનત મજૂરીના કારણે આંગળીઓની છાપ મેચ થતી નથી, તેમના માટે હવે રેટિના સ્કેનિંગ (આંખની કીકીનું સ્કેનિંગ) જેવી અત્યાધુનિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી રહી છે.
‘વન નેશન વન રેશન કાર્ડ’થી શ્રમિકોને મોટી રાહત
આ યોજના અંતર્ગત અમલી બનેલી 'વન નેશન વન રેશન કાર્ડ' વ્યવસ્થા પ્રવાસી શ્રમિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ગુજરાતમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યના શ્રમિકો અથવા ગુજરાતના જ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા શ્રમિકો હવે કોઈપણ લોકેશન પરથી સરળતાથી પોતાનું રેશન મેળવી શકે છે.
આ પારદર્શક, ટેક્નોલોજી સભર અને સંવેદનશીલ વ્યવસ્થાના જોરે ગુજરાત રાજ્ય ‘ભૂખમુક્ત અને પોષણયુક્ત સમાજ’ ના નિર્માણ તરફ મજબૂત કદમ વધારી રહ્યું છે.
