ચોમાસાની આફત સામે પ્રાકૃતિક ખેતી બની ‘રક્ષાકવચ’
Live TV
-
ચોમાસાની આફત સામે પ્રાકૃતિક ખેતી બની ‘રક્ષાકવચ’
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ જગતનો તાત એક તરફ ખુશ થાય છે, તો બીજી તરફ તેની ચિંતા પણ વધી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી "વરસાદ વધુ પડ્યો અને પાક સડી ગયો" એવું વારંવાર સાંભળવા મળે છે. સામાન્ય રીતે આપણે તેને કુદરતી આપત્તિ માની લઈએ છીએ, પરંતુ વિજ્ઞાન અને પ્રકૃતિના નિયમો કંઈક અલગ જ સત્ય દર્શાવે છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવું અને પાક નિષ્ફળ જવો એ માત્ર કુદરતનો પ્રકોપ નથી, પરંતુ વર્ષોથી ખેતરોમાં આંધળુકિયા થઈ રહેલી રાસાયણિક ખેતીનું દુષ્પરિણામ છે. આ ગંભીર વૈશ્વિક સમસ્યા સામે હવે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત ઢાલ તરીકે ઉભરી આવી છે.
રાસાયણિક ખેતી: જમીનને પથ્થર બનાવતી જીવલેણ
વધુ પાક અને વધુ નફાની લાલચમાં વર્ષોથી ખેતરોમાં યુરિયા, ડી.એ.પી. અને ઝેરી જંતુનાશકોનો બેફામ વપરાશ થયો છે. આ કેમિકલ્સે જમીનની કુદરતી રચનાને છિન્નભિન્ન કરી નાખી છે. રસાયણો જમીનમાં રહેલા મિત્ર જીવાણુઓ અને અળસિયાંનો નાશ કરે છે. અળસિયાં ગાયબ થવાથી જમીન પોતાની પોચી કે સ્પોન્જી ગુણવત્તા ગુમાવી બેસે છે અને પથ્થર જેવી કઠણ બની જાય છે. જમીન સખત થવાને કારણે વરસાદનું પાણી નીચે ઉતરી શકતું નથી. પરિણામે, પાણી ખેતરમાં જ ભરાઈ રહે છે, પાકના મૂળ શ્વાસ લઈ શકતા નથી અને છેવટે આખો પાક સડી જાય છે.
પ્રાકૃતિક કૃષિ: અળસિયાં છે જમીનના કુદરતી એન્જિનિયર્સ
તેની સામે, પ્રાકૃતિક ખેતી જમીનને નવજીવન આપવાનું કામ કરે છે. આ પદ્ધતિમાં ગાયના છાણ-મૂત્રમાંથી બનેલા જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનમાં અળસિયાં અને અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ પુનઃ જીવિત થાય છે. અળસિયાં જમીનમાં સતત ઉપર-નીચે અવરજવર કરીને હજારો છિદ્રો બનાવે છે, જેનાથી જમીન અંદરથી ગળણી જેવી પોચી બને છે. આવી સ્પોન્જ જેવી જમીનમાં ગમે તેટલો ભારે વરસાદ પડે તો પણ પાણી તુરંત જ શોષાઈને પેટાળમાં ઉતરી જાય છે. પરિણામે ખેતરમાં પાણી ભરાતું નથી અને પાક સુરક્ષિત રહે છે.
બદલાતા ક્લાઈમેટ ચેન્જમાં એકમાત્ર આશાનું કિરણ
જો ખેડૂત પાસે જમીન ઓછી હોય, પરંતુ તે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવે, તો તેની જમીન સોનાની લગડી સમાન ફળદ્રુપ સાબિત થાય છે. વર્તમાન સમયમાં ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન સંપૂર્ણ બદલાઈ ગઈ છે—ક્યારેક લાંબો સમય કોરું ધાકોર રહે છે તો ક્યારેક થોડા જ કલાકોમાં અતિવૃષ્ટિ થાય છે. આવા અનિશ્ચિત હવામાનમાં જો ખેડૂતોએ પોતાની આર્થિક સલામતી ઈચ્છવી હોય અને દેશની અન્ન સુરક્ષા જાળવવી હોય, તો રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવું એ જ એકમાત્ર મજબૂત વિકલ્પ અને સમયની માંગ છે.
પ્રાકૃતિક ખેતી અપનાવીએ, ખેડૂતો સાથે દેશને પણ સમૃદ્ધ બનાવીએ!
