ડિજિટલ ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી ‘ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026–29’
Live TV
-
ડિજિટલ ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી ‘ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026–29’
ગુજરાતને દેશ અને દુનિયાનું અગ્રેસર ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવાના મજબૂત સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ડિજિટલ ક્રાંતિને નવી ગતિ આપવા માટે ‘ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026–29’ની સત્તાવાર જાહેરાત કરી છે.
આગામી ત્રણ વર્ષ માટે અમલી બનનારી આ પોલિસીના લોન્ચિંગ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યાધુનિક બનાવી મોટા પાયે વૈશ્વિક રોકાણ આકર્ષવાનો અને આઈટી ક્ષેત્રે રોજગારીની હજારો નવી તકોનું સર્જન કરવાનો છે.
‘ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026–29’ ના મુખ્ય લક્ષ્યો
રોકાણને પ્રોત્સાહન: દેશ-વિદેશની અગ્રણી ટેકનોલોજી કંપનીઓ ગુજરાતમાં પોતાના ડેટા સેન્ટર્સ સ્થાપે તે માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું. ડેટા મેનેજમેન્ટ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, સાયબર સિક્યોરિટી અને નેટવર્ક એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક યુવાનો માટે હજારો હાઈ-પેઈડ નોકરીઓનું સર્જન કરવું. રાજ્યમાં વધી રહેલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને ડેટા સ્ટોરેજની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સુરક્ષિત અને અવિરત પાવર સપ્લાય ધરાવતું માળખું તૈયાર કરવું.
રોજગારી અને આર્થિક વૃદ્ધિને મળશે નવી પાંખો
નવી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા ઉદ્યોગ અને રોકાણ માટે દેશમાં મોખરે રહ્યું છે. હવે, બદલાતા યુગ સાથે ડેટા એ જ નવું ઈંધણ છે. આ પોલિસી દ્વારા અમે વિશ્વભરના આઈટી જાયન્ટ્સને ગુજરાતમાં આવકારવા તૈયાર છીએ, જે અંતે આપણા યુવાનોને આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે રોજગારી અપાવશે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે, ગિફ્ટ સિટી અને ધોલેરા સર (SIR) જેવા અદ્યતન પ્રોજેક્ટ્સની હાજરી વચ્ચે આ ડેટા સેન્ટર પોલિસી ટેક કંપનીઓ માટે સોનામાં સુગંધ ભળવા સમાન સાબિત થશે. સરકાર આ સેન્ટર્સ માટે જમીન, વીજળી સબસીડી અને સ્ટેમ્પ ડ્યુટીમાં વિશેષ રાહતો આપીને સિંગલ-વિન્ડો ક્લિયરન્સની સુવિધા આપશે.
આ નીતિની જાહેરાત સાથે જ આગામી દિવસોમાં ગુજરાત વાઇબ્રન્ટ ડિજિટલ ઇકોનોમી તરફ ખૂબ જ ઝડપથી આગળ વધશે તે નક્કી છે.
