ગુજરાતે જીએસટી કલેક્શનમાં 28 ટકાનો નોંધપાત્ર ગ્રોથ નોંધાવ્યો
Live TV
-
રાજ્યના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં મોટો ઉછાળો: એક જ બંદરે 50 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો નવો કીર્તિમાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધિત કરતા બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને રાજ્યની આર્થિક પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં આ વર્ષે થયેલા ઓછા વરસાદની સ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. આ વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની અછત ન સર્જાય તે માટે તમામ વિભાગોને કડક સૂચના આપવામાં આવી છે. આ જિલ્લાઓની સ્થિતિની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રીઓને વિશેષ સૂચના આપવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં આર્થિક પડકારો હોવા છતાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે, જે ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ નાગરિકોના હિતમાં જીએસટી દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં ગુજરાતમાં જીએસટી સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગયા મહિને ગુજરાતનો જીએસટી ગ્રોથ 20 ટકા હતો, જે આ મહિને વધીને 28 ટકાએ પહોંચ્યો છે.
તેમણે ગુજરાતના બંદરો પર કાર્ગો હેન્ડલિંગમાં થયેલા અભૂતપૂર્વ વધારાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં રાજ્યના બંદરોની સમીક્ષા દરમિયાન જાણવા મળ્યું છે કે માત્ર એક જ પોર્ટ દ્વારા 50મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો છે, જે સવા ગણો વધારો દર્શાવે છે. બંદરો પર કાર્ગો હેન્ડલિંગના વધેલા આંકડા સ્પષ્ટ કરે છે કે, ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ આઉટપુટ વધ્યું છે અને રાજ્યમાંથી નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે.
