ગુજરાત ટુરિઝમઃ રાજ્યમાં 'બરડા વન્યજીવ અભયારણ્ય' એશિયાટિક સિંહોનું બીજું ઘર, 29મીએ ધનતેરસના પાવન પર્વે આરંભ કરાશે
Live TV
-
ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવું ડેસ્ટિનેશન ઉમેરાવા જઈ રહ્યું છે. ધનતેરસના દિવસે એટલે કે 29મી ઓક્ટોબરે એશિયાટિક સિંહોનું બીજું નવું અભયારણ્ય એટલે કે બરડા વન્યજીવ અભયારણ્ય અને બરડા જંગલ સફારી ફેઝ-1 દેવભૂમિ દ્વારકાની કપુરડી ચેકપોસ્ટ ખાતે શરૂ કરવામાં આવશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા મંગળવારે તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી 29મીએ ધનતેરસના મંગળવારે દેવભૂમિ દ્વારકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ અને બરડા જંગલ સફારી’ ફેઝ-૧નો વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરાશે. હાલ ગુજરાતમાં અંદાજે એશિયાઈ સિંહોની સંખ્યા 674 સુધી પહોંચી છે પરંતુ સિંહોની આ વસતિ વધારાની સાથે તેમને નવા સરનામા તરીકે હવે બરડા વન્યજીવ અભયારણ્ય પણ સુરક્ષિત અને કુદરતી વસાહત તરીકે સ્થાપિત થશે. એશિયાઈ સિંહો વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે પરંતુ તે માત્ર ગુજરાતના જૂનાગઢ ફોરેસ્ટ રેન્જમાં જ જોવા મળતા હોય છે. દરમિયાનમાં ગુજરાતમાં તે રીતે વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઇ રહ્યું છે. જેના પરિણામે હવે, બરડાની ટેકરીઓમાં પણ નાગરિકો- પ્રવાસીઓને ગુજરાતનું ગૌરવ સમાન ‘એશિયાઈ સિંહ’ નિહાળવા મળશે.
જામનગર સંસદ સભ્ય પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાનારા ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ અને બરડા જંગલ સફારી’ ફેઝ-૧ના લોકાર્પણ કાર્યક્રમ અંગે ગુજરાત વાઈલ્ડલાઈફ PCCF એન. શ્રીવાસ્તવે કહ્યું હતું કે, સફારી પરમિટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું ફરજિયાત બનાવાયું છે. આગામી સમયમાં આ પરમિટ માટે ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે. જેથી પ્રવાસીઓ વધુ સરળતાથી અને આગોતરું આયોજન કરી શકશે. બરડા પ્રદેશના ઊંચા નીચા ડુંગર અને ટેકરીઓથી સુસજ્જિત ભૌગોલિક રચના આશરે 215 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. જે પૈકી 192.31 ચોરસ કિ.મી. વિસ્તારને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ સત્તાવાર રીતે વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓમાં ફેલાયેલો છે. એશિયાઈ સિંહોના આ નવા આવાસ સ્થાનના સફર માટે બરડાના જીવંત ડુંગરો અને નદી કિનારાના નયનરમ્ય સૌંદર્યમાં પ્રવાસીઓ લીન થઈ જાય તેવું અહીં વાતાવરણ તૈયાર કરાયું છે.
બરડા અભયારણ્યમાં લગભગ 14 દાયકા પછી ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરી જોવા મળશે. આ અભયારણ્ય કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે. જેમાં સિંહ સિવાય દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ-નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. અહીં હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં પક્ષીઓની 269 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
આ અભયારણ્યની પ્રવાસીઓ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મુલાકાત લઈ શકે છે. શિયાળામાં 16મી ઓક્ટોબરથી ફેબ્રુઆરી અને ઉનાળામાં 1લી, માર્ચથી 15મી, જૂન સુધી ચાલુ હોય છે. દર વર્ષે 16મી જૂનથી 15મી ઓક્ટોબર દરમિયાન બરડા જંગલ સફારી બંધ રહેશે.
