ગુજરાત માટે 48 કલાક ભારે !
Live TV
-
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન થન્ડર સ્ટોમની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતનાં 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે.
નવસારી શહેરમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. માત્ર બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને ટ્રાફિક પર અસર થઈ હતી. મહત્ત્વનું છે કે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા નવરાત્રિ મહોત્સવના આયોજકો મુંઝવણમાં મુકાયા છે.
