Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજભવનનું નામ હવેથી ગુજરાત 'લોકભવન': જનકેન્દ્રિત શાસનને મજબૂત કરવા રાજ્યપાલે લીધો મોટો નિર્ણય

Live TV

X
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનનું નામ બદલીને સત્તાવાર રીતે 'લોકભવન' રાખવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પરિવર્તનનો હેતુ ભવનને વધુ જનસંપર્કક્ષમ બનાવવાનો અને તેને નાગરિકો, કૃષિકારો તથા સંગઠનો સાથે સંવાદનું જીવંત કેન્દ્ર બનાવવાનો છે. રાજ્યપાલે કહ્યું કે 'લોકભવન'નું મૂળતત્ત્વ જનતા સર્વોપરી છે, જે જનસેવાલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવશે.

     ગુજરાતમાં જનકેન્દ્રિત શાસનની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે 'લોકભવન' રાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણય દ્વારા 'લોકભવન' ને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને સમર્પિત કરવા તરફ નવી દિશા નિર્ધારિત કરવામાં આવી છે.

    'લોકભવન' તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર માનનીય રાજ્યપાલના નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું સીમિત નહીં રહે, પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, ખેડૂતો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પરિવર્તનનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, 'લોકભવન'નું મૂળતત્ત્વ છે જનતા સર્વોપરી. આ ભવન સરકાર અને રાજ્યના લોકો વચ્ચે સેવા અને સહકારના સંવાદનો સેતુ બને તે જ આ પરિવર્તનનો મુખ્ય હેતુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, રાજભવન માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી સીમિત ન રહે, પરંતુ સમાજના કલ્યાણ, આશાઓ અને સમસ્યાઓ સાથે જીવંત રીતે જોડાય એ જ સાચા અર્થમાં ‘લોકભવન’ છે.

    રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે, છેલ્લાં વર્ષોમાં ગુજરાત રાજભવન દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણનું મજબૂતીકરણ, યુવાનો અને શોધાર્થીઓ સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિવાસી વિકાસને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રાજભવનના આ જનસેવાલક્ષી અભિગમને આ નિર્ણય વધુ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નિયમિતપણે રાજ્યના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં રાત્રિ નિવાસ કરે છે, અનુસૂચિત જાતિ/જનજાતિના પરિવારો સાથે સાદું ભોજન કરે છે અને ગામના સર્વાંગી વિકાસ માટે જનસંવાદ યોજીને પ્રાકૃતિક કૃષિ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવે છે. આ નામ પરિવર્તન તેમની જનસંપર્કની આ પદ્ધતિને વધુ આધાર પૂરો પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply