ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પાંચમો અને અંતિમ દિવસ
Live TV
-
વિધાનગૃહમાં એજન્ડા મુજબ બે બેઠકો મળી
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે પાંચમો અને અંતિમ દિવસ છે. વિધાનગૃહમાં આજે એજન્ડા મુજબ બે બેઠકો મળી હતી. પહેલી બેઠકમાં ચાર સુધારા વિધેયક પાસ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પ્રૉવિન્શિયલ મ્યુનિસિપલ કૉર્પોરેશન સુધારા વિધેયક ગુજરાત ગૃહ નિર્માણ બૉર્ડ સુધારા વિધેયક ગુજરાત દુકાન અને સંસ્થા રોજગાર નિયમ અને સેવાની શરતો વિધેયક અને ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. આ સાથે વિધાનસભામાં તારાંકિત અને અતારાંકિત પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે બીજી બેઠક મળી હતી. આ ઉપરાંત વિધાનસભા ખાતે મહાગુજરાતના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકની જન્મજયંતી નિમિત્તે તેમના ભવ્ય તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ વિપક્ષના દંડક શૈલેષભાઈ પરમાર દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
ઇન્દુચાચાના હુલામણા નામથી ઓળખાતા અને પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકના જન્મદિવસના આ પ્રસંગે મંત્રીમંડળના સર્વે મંત્રીઓએ વિધાનસભાના સર્વે ધારાસભ્યઓએ વિધાનસભાના સચિવ અધિકારીઓ વિધાર્થી પોલીસ કેડેટ તેમજ માણેકબા પ્રાથમિક શાળા અડાલજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.
