ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમથી બાળકને મળ્યું નવજીવન
Live TV
-
ગુજરાત સરકારના શાળા આરોગ્ય કાર્યક્રમથી બાળકને મળ્યું નવજીવન
ગુજરાત સરકારના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અને આયુષ્માન કાર્ડએ અમદાવાદના પાંચ વર્ષીય બાળક કાર્તિક પાટીલ માટે જીવનરક્ષક સાબિત થયા છે. લીવરની ગંભીર બીમારીથી પીડાતા કાર્તિકનું સફળતાપૂર્વક લીવર ટ્રાન્સપ્લાન્ટ થતાં તેને નવજીવન મળ્યું છે.
પાંચ વર્ષની ઉંમરે કાર્તિકને લીવરની સમસ્યા હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી, પરંતુ આશરે 10 લાખ રૂપિયાનો ખર્ચ પરિવાર માટે અશક્ય હતો. કાર્તિકની માતા સીતાબેન પાટીલના જણાવ્યા મુજબ, “અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી આટલો મોટો ખર્ચ ઉઠાવવાનું અમારા માટે શક્ય નહોતું.”
સમય જતાં કાર્તિકની તકલીફ વધી અને તેની હાલત ગંભીર બની. અમદાવાદની કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ના ડૉક્ટરોની સલાહ મુજબ, તેના માતા-પિતાએ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે નોંધણી કરાવી. સદ્ભાગ્યે, તેમને એક કેડેવર (મૃત દાતા) મળતાં, કાર્તિકનું લીવર ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થયું.
IKDRC ના ડૉ. પ્રાંજલ મોદીના જણાવ્યા અનુસાર, આ જટિલ સર્જરી આયુષ્માન કાર્ડ અને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ વિના મૂલ્યે કરવામાં આવી. આર્થિક બોજ હટી જતાં કાર્તિકનો પરિવાર ખુશ છે. આજે કાર્તિક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો છે. આ કિસ્સો સરકારી યોજનાઓ કેવી રીતે સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ બની શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
