ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: હવે શાળામાં બાળકોને મળશે ભગવદ ગીતાનું જ્ઞાન
Live TV
-
રાજ્યમાં હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ગઈકાલે શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નિતી અંતર્ગત વર્ષ 2022-23 થી ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જેનો આગામી શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે.
આ ઉપરાંત ધોરણ 6 થી ગણિત-વિજ્ઞાનનાં દ્વિભાષી પાઠ્ય પુસ્તકનો અમલ કરવા પણ વિચારણા કરવામાં આવી છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2022-23 થી ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીના સમાવેશ અંતર્ગત ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોથી પણ બાળકોને પરિચિત કરાવવામાં આવશે. જેના ભાગરૂપે શાળાઓમાં પ્રાર્થના કાર્યક્રમમાં ભગવદ ગીતા અને ભગવદ ગીતાના ગ્રંથ પર આધારિત વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વકતૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર આધારિત ક્વિઝ વગેરેનું આયોજન કરવામાં આવશે.
