ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવા તરફ: પ્રધાનમંત્રી મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે(31 માર્ચ, 2026) ગુજરાતના સાણંદમાં 'કેન્સ સેમિકોન'ના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ(OSAT) પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ આ પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનનો પણ વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે.
₹3,300 કરોડનું રોકાણ અને અત્યાધુનિક સુવિધા
પ્રધાનમંત્રીએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આ ફેસિલિટીનું નિરીક્ષણ કર્યું હતું અને પ્લાન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી.
કુલ રોકાણ: આ યુનિટ અંદાજે ₹3,300 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
મુખ્ય કાર્ય: અહીં સેમિકન્ડક્ટર એસેમ્બલી, પેકેજિંગ અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવશે, જે ચિપ મેન્યુફેક્ચરિંગ વેલ્યુ ચેઈનનો અત્યંત મહત્વનો હિસ્સો છે.
ઉત્પાદન ક્ષમતા: પ્લાન્ટ જ્યારે સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થશે, ત્યારે દરરોજ અંદાજે 63 લાખ યુનિટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે.ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ(IPMs) પર ધ્યાન
આ પ્લાન્ટમાં વ્યાપારી ધોરણે ઉત્પાદનની શરૂઆત ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ(IPMs) સાથે કરવામાં આવી છે. આ મોડ્યુલ્સનો ઉપયોગ ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો (EVs), ઔદ્યોગિક સિસ્ટમ્સ અને ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણોમાં થાય છે. આ મોડ્યુલ્સ અનેક ચિપ્સને એક સિંગલ પેકેજમાં જોડીને ઉપકરણોની કાર્યક્ષમતામાં વધારો કરે છે.આત્મનિર્ભર ભારત તરફ ડગલું
કેન્દ્ર સરકારના 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' હેઠળ આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં માઇક્રોન ટેકનોલોજીના યુનિટ બાદ સાણંદમાં આ બીજો મોટો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે, જે ભારતની આયાત નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.પ્લાન્ટની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ક્લીનરૂમ અને પ્રોડક્શન લાઇન નિહાળી હતી તેમજ એડવાન્સ પેકેજિંગ ટેકનોલોજી વિશે જાણકારી મેળવી હતી. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે અને કુશળ માનવબળ તૈયાર થશે.
