'ગેસ સિલિન્ડર સમયસર મળશે, અફવાઓથી દૂર રહો': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે(13 માર્ચ, 2026) રાજ્યના નાગરિકો અને ખેડૂતોને આશ્વસ્ત કર્યા હતા કે રાજ્યમાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને દરેકને તે સમયસર મળી રહેશે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ગમે તેવા સંજોગો હોય, પરંતુ રાજ્યમાં ગેસની કોઈ અછત સર્જાશે નહીં.
પીએમ-કિસાન યોજનાના કાર્યક્રમમાં સંબોધન
મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ (PM-KISAN) યોજનાના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, "વૈશ્વિક પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાય ખોરવાશે તેવી ખોટી અફવાઓ ફેલાવવી જોઈએ નહીં. જેમને પણ રાંધણ ગેસની જરૂર છે, તેમને કોઈ પણ મુશ્કેલી વગર સિલિન્ડર મળી રહેશે."ખેડૂતોના ખાતામાં કરોડોની સહાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીથી પીએમ-કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર કર્યો હતો. આ અંતર્ગત દેશના 9.32 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં ₹18,640 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો, રાજ્યના આશરે 49.59 લાખ ખેડૂત પરિવારોના ખાતામાં ₹1,028 કરોડથી વધુની રકમ સીધી જમા થશે.નર્મદાના નીર અને વીજળી પર ભાર
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ખેતી માટે પાણી અને વીજળી પાયાની જરૂરિયાત છે. નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની સિદ્ધિ તેમણે વર્ણવી હતી. વીજળી બાબતે તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, "ગુજરાતે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, જે અંતર્ગત અત્યારે રાજ્યના 96 ટકા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે."
