ચિંતન શિબિર-2025 : મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કલેક્ટર અને ડીડીઓને પુરસ્કારો એનાયત કરાયા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય 12મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:2024થી 2025 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા.
જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટર નૈમેષ દવે, પાટણના તત્કાલીન કલેકટર અરવિંદ વી, મોરબીના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ અને આણંદના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર અંર્તગત પ્રત્યેકને રૂ. 51 હજારનો રોકડ પુરસ્કાર અને જે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય તે જિલ્લાના વિકાસ માટે રૂ. 40 લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવી હતી. વહીવટમાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ, નવીનતમ યોજનાઓ- કાર્યક્રમ અને અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવરી લેવાયેલ KPI (Key Performance Indicator)ના આધારે રાજ્યના વહીવટમાં ગતિશીલતા લાવવા અને શ્રેષ્ઠ કામગીરી બજાવતા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ 2005થી જિલ્લા કલેક્ટર/ જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર આપવાની યોજના શરૂ કરવામાં આવેલી છે.
આ યોજના અંતર્ગત જિલ્લા કલેક્ટર માટે 81 KPI તથા જિલ્લા વિકાસ અધિકારીઓ માટે 73 KPI નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનામાં શ્રેષ્ઠ જિલ્લા કલેકટર/ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માટે કુલ 100 ગુણમાંથી વિભાગો તથા મુખ્ય સચિવ દ્વારા તેઓની કામગીરીનાં મૂલ્યાંકનનાં આધારે રાજ્ય સરકારને જે ભલામણો કરાય તેના આધારે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત 15 લાખથી વધુ વસ્તી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ધરાવતા જિલ્લા અને 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા એમ બે કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે. 12મી ચિંતન શિબિરના સમાપન દિવસે દરેક કેટેગરીમાં બે કલેકટર અને બે જિલ્લા વિકાસ અધિકારી મળી ચાર સનદી અધિકારીઓને વર્ષ 2024-25 માટેના પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
