જામનગરમાં અનશન આંદોલન કરતી રાજપૂતાણીઓને વડગામના ધાકાસભ્યે પારણા કરાવ્યા
Live TV
-
જામનગર શહેરની મધ્યમાં આવેલ ઓશવાળ સેન્ટર ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું
જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અર્થે ગઈકાલે સાંજે ગુજરાતના ધારાસભ્ય અને યુવા લડાયક નેતા જીગ્નેશ મેવાણી આવી પહોંચ્યા હતા. જીગ્નેશ મેવાણીએ પરશોતમ રૂપાલાના વિરુદ્ધમાં છેલ્લા કેટલાય દિવસથી અનશન કરી રહેલી રાજપૂત સમાજની મહિલાઓને પારણા કરાવ્યા અને ત્યારબાદ ઓશવાળ સેન્ટર ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગઈકાલ સાંજે જામનગર ખાતે આવી પહોંચતા સૌપ્રથમ લાલબંગલા સર્કલ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. ત્યારબાદ જામનગર શહેરમાં લાલબંગલા સર્કલ પાસે આવેલ રાજપૂત સમાજ ખાતે રૂપાલા મામલે અનશન ઉપવાસ પર બેઠેલા રાજપૂત સમાજના મહિલાઓને પારણા કરી અને તેમની સાથે વાતચીત કરી હતી. જ્યારે જામનગર શહેરની મધ્યમાં આવેલ ઓશવાળ સેન્ટર ખાતે ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા.
જાહેર સભામાં જીગ્નેશ મેવાણી ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા તેમજ પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમભાઈ માડમ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો અને ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સભા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયા જંગી બહુમતીથી વિજયી કરવા ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
