જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના ગામડાઓને જોડતા વિવિધ રોડ-રસ્તાના કામોને મળી મંજૂરી
Live TV
-
રાજ્યના કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જામનગર અને જોડિયા તાલુકાના અનેક ગામોને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જામનગરના પ્રજાજનોની સુવિધામાં વધારો કરતા નિર્ણય બદલ કૃષિ મંત્રીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળ સાત વર્ષથી જૂના રસ્તાઓનું ‘કિસાન પથ યોજના’ તેમજ ‘ખાસ મરામત યોજના’ હેઠળ રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવશે. કિસાન પથ યોજના હેઠળ રૂ. 12.45 કરોડ તેમજ ખાસ મરામત યોજના હેઠળ રૂ. 6.80 કરોડના ખર્ચે રોડ-રસ્તાના મરામત કામો હાથ ધરાશે. મંજૂર કરાયેલા રસ્તાઓ જામનગર ગ્રામ્ય અને જોડિયા તાલુકાના ગામોને આવરી લેશે, જે ગ્રામજનોને જરૂરી સેવાઓ અને બજારો સુધી પહોંચવા માટે ઘણી જરૂરી સગવડ પૂરી પાડશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, ખાસ મરામત યોજના હેઠળ જામનગર તાલુકાના લાખાબાવળથી સ્ટેટ હાઈવે સુધીના રસ્તા માટે રૂ. 150 લાખ, મોટી બાણુંગારથી સ્ટેટ હાઈવે સુધીના રોડ માટે રૂ. 50 લાખ, સ્ટેટ હાઈવેથી જે.એન.વી.(અલીયા) સુધીના રોડ માટે રૂ. 50 લાખ, વંથલી ટુ રેલ્વે સ્ટેશન એપ્રોચ સુધીના રોડ માટે રૂ. 50 લાખ તેમજ ધુતારપર-સુમરી-ખારાવેઢા-પીઠડીયા સુધીના રોડ માટે રૂ. 380 લાખની મંજૂરી આપવામાં આવી છે.આમ, કુલ મળી આશરે 14.40 કિ.મી.ના રોડની મરામત કામગીરી માટે ખાસ મરામત યોજના હેઠળ કુલ રૂ. 6.80 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કિસાન પથ યોજના અને ખાસ મરામત યોજના અંતર્ગત જામનગર જિલ્લામાં કુલ 34 કિ.મી.ના રોડ-રસ્તાની મરામત કામગીરી માટે રૂ. 19.25 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.
