પંચમહાલ : ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પાંચમો વાર્ષિક દીક્ષાંત સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો
Live TV
-
રાજયપાલ આચાર્ય દેવવ્રતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાજ્યપાલે પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે, આદિવાસી બહુમૂલ્ય ધરાવતા જિલ્લાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સરકારના પ્રયત્નો થકી શિક્ષણક્ષેત્રે અમૂલ્ય ક્રાંતિ સર્જાઈ છે.
આ યુનિવર્સિટી થકી આ વિસ્તારમાં આજે શિક્ષણની જ્યોત સાથે ઘર આંગણે જ તમામ સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે. યુનિવર્સિટી ખાતે 1.50 લાખ વિદ્યાર્થીઓની સાથે 1000 થી વધુ વિદ્યાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે તે ખરેખર ગર્વની બાબત હોવાનું જણાવ્યું હતું.
તેમણે પ્રાચીન ભારતીય ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરતાં કહ્યું હતું કે, તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા અને પલ્લવી વગેરે સ્થળોએ દુનિયાભરના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા આવતા હતા. વધુમાં તેમણે દીક્ષાંત સમારોહમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ, માતા - પિતા અને ગુરુજનોના સંગમરૂપી આજના દિવસે વિદ્યાર્થીઓ સમાજ અને રાષ્ટ્રના હિત માટે કાર્યો કરવાનો સંકલ્પ લે. માનવતાનો ધર્મ એ સૌથી મોટો ધર્મ છે.
મનુષ્યને જીવનના મૂલ્યો શિખવાડનાર માતા - પિતા અને ગુરૂજન દેવતા સમાન છે. ભણતર અને ડિગ્રીની સાથે પોતાના કર્તવ્યોથી સજાગ બનીને માનવ કલ્યાણ માટે કાર્ય કરવું તે જ સાચું શિક્ષણ છે.
રાજ્યપાલે આજે 30 જાન્યુઆરી એટલે કે ગાંધીજીના નિર્વાણ દિવસને યાદ કરીને કહ્યું હતું કે, ઘોર અંધકારમાં એક પ્રકાશની જ્યોત અજવાળું પાથરી શકે છે, તેમ વિદ્યાર્થીઓએ હંમેશા સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવીને તેનું આચરણ કરવું જોઈએ. તેમણે આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કાર્ય કરનાર ગોવિંદ ગુરુને યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉન્નતિ માટે વિવિધ ક્ષેત્રોમાં આગળ આવવા જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિજેતા 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 41 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડીગ્રી અને 16181 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઇ હતી.
