તાના-રીરી મહોત્સવનો આજથી પ્રારંભ
Live TV
-
ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરની ઓળખ તેનો ઇતિહાસ અને સમૃદ્ધ કલા વારસો છે. આ નગરી સંગીત, કળા, ગાયન, વાદન અને નૃત્યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્યાત બની છે. વડનગરમાં 550 વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે. સંગીતની આ પરંપરા અને વારસાને આજે તાના-રીરી મહોત્સવ થકી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે.
વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પોતાના વતન વડનગરથી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો આ અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે. આજથી આ મહોત્સવ તાના-રીરી સમાધિ સ્થળ ખાતે યોજાવાનો છે જેમાં શ્રોતાઓ પંડિત નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર તથા ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, શશાંક સુબ્રમણ્યમ વગેરે કલાકારોનો સંગીત સમારોહ માણી શકશે.
તાના-રીરી એવોર્ડથી સન્માનિત પ્રતિભાઓને ₹2.50 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે2010માં પ્રથમ વર્ષે રાષ્ટ્રકક્ષાનો આ એવોર્ડ ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે તાનારીરી એવોર્ડ સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભાવિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તાના-રીરી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને ₹2.50 લાખનો રોકડ પુરસ્કાર, તામ્ર પત્ર અને શાલ અર્પણ કરવામાં આવે છે.
આ વર્ષે તાના-રીરી મહોત્સવમાં આ પ્રસિદ્ધ કલાકારો સંગીતના સૂરો રેલાવશેઆ વર્ષે પણ તારીખ 10 અને 11 નવેમ્બર 2024ના રોજ આયોજિત તાના-રીરી મહોત્સવમાં લોકપ્રિય કલાકારો ગાયન-વાદનની કલા રજૂ કરશે. 10મી નવેમ્બર, રવિવારે નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. તો જાણીતા લોકગાયક ઓસમાણ મીર તેમના ગાયનથી શ્રોતાઓને ડોલાવશે. 11મી નવેમ્બર, સોમવારે શશાંક સુબ્રમણ્યમ વાંસળી વાદન અને પાર્થિવ ગોહિલ એન્ડ ગ્રુપ સંગીતના સૂરો રેલાવીને આ સમારોહ યાદગાર બનાવશે.