તાપીના સોનગઢમાં ‘એક પેડ માં કે નામ 3.0' અંતર્ગત વિરાટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, માત્ર વૃક્ષારોપણ નહીં, વાવેલા વૃક્ષોનું જતન કરવું આપણી સૌની સામુહિક જવાબદારી... પ્રભારી મંત્રી નરેશ પટેલે કહ્યું કે, આદિવાસી સમાજનો પ્રકૃતિપ્રેમ જ જંગલોની સુરક્ષાનું મુખ્ય કારણ...
સોનગઢ તાલુકાના સાદડવેલ ખાતે ‘એક પેડ માં કે નામ 3.0' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો... નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી તાપી જિલ્લા ખાતે યોજાતા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવી રહ્યો છું. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા આ અભિયાન દ્વારા માતા અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિ તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં આસપાસના ગામોના નાગરિકો સ્વયંભૂ જોડાઈને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે અદ્ભૂત કાર્ય કરી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ?
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, માત્ર વૃક્ષારોપણ કરવું જ નહીં, પરંતુ તે વૃક્ષોનું યોગ્ય જતન કરીને તેમને મોટા કરવા એ આપણી સૌની સામુહિક જવાબદારી છે. હજારોની સંખ્યામાં તાપી જિલ્લા તથા આસપાસના ગામોના ગ્રામજનો આ અભિયાનમાં જોડાયા છે, જે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારી દર્શાવે છે.
આ તકે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે કહ્યું કે, આદિવાસી સમાજ અનાદિકાળથી પ્રકૃતિના ખોળામાં જીવતો આવ્યો છે અને તેમને વૃક્ષો પ્રત્યે ઊંડો લગાવ રહ્યો છે. વૃક્ષો પ્રત્યેના આ પ્રેમ અને વન બચાવવાના સતત સહયોગના કારણે જ આજે પણ ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં જંગલો સુરક્ષિત અને સચવાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું. જે બાદ એક સાથે હજારો (4 હજારની આસપાસ) ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને તાપી જિલ્લાના સોનગઢના સાદડવેલ ગામથી રાજ્ય અને દેશના તમામ લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામજનો સાથે સોહાર્દપૂર્ણ સંવાદ સાઘી આદિવાસી સમુદાયના પ્રકૃતિ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં રમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણી સુરજ વસાવા, ધારાસભ્ય સર્વ મોહનભાઇ કોંકણી અને મોહનભાઇ ઢોડિયા, પદ્મશ્રી રમીલાબેન ગામીત સહિતના પદાધિકારીઓ, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનુ આયોજન પ્રકૃતિ સંવર્ધન સમિતિ તાપી અને આદિવાસી એકતા અને વિકાસ સંગઠન તાપી તેમજ જિલ્લા વહીવટી તંત્ર તાપીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
ઉપરાંત, જિલ્લા કલેકટર દેવ ચૌધરી, રેન્જ આઇજી પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈ, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ-કર્મીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ, સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
