Skip to main content
Settings Settings for Dark

રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે 'મોન્સૂન ફેસ્ટિવલ'

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો 'સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ' શુભારંભ...આગામી તારીખ 29 ઓગસ્ટ સુધી નાગરિકો લઈ શકશે ફેસ્ટિવલનો લાભ

    ચોમાસાની આહલાદક ઋતુ સાથે  ડાંગના સાપુતારામાં 'સાપુતારા મેઘ મલ્હાર પર્વ-2026'નો પ્રારંભ થયો છે. આ મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આજથી 29 ઓગસ્ટ સુધી ચાલનારા મહોત્સવમાં આદિવાસી લોકસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાનિક વ્યંજનો સહિત વિવિધ સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ મુખ્ય આકર્ષણના કેન્દ્ર રહેશે.  છેલ્લા 18 વર્ષથી યોજાતો આ મહોત્સવ સહેલાણીઓને મનોરંજન સાથે સ્થાનિકોને રોજગારીની તકો પણ પૂરી પાડી રહ્યો છે.  મહોત્સવના પ્રથમ દિવસે ડાંગના લોકોની જીવનશૈલી પર આધારિત કાર્યક્રમ નિહાળી પ્રવાસીઓમાં ખુશી વ્યાપી હતી. તારીખ 8 થી 29ઓગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહસનો અનોખો સંગમ જોવા મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને રાજ્યના પ્રવાસન મંત્રી તથા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. જયરામ ગામીતની ગરિમામય ઉપસ્થિતિમાં આ ઉત્સવનો શુભારંભ થયો છે.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બસ સ્ટેશનની મુલાકાત લીધી 

    'મોન્સૂન ફેસ્ટિવલ'ના પ્રારંભ બાદ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક સાપુતારા બસ ડેપો ખાતે પહોંચતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તેમણે બસ ડેપોમાં ઉપલબ્ધ સુવિધાઓ, મુસાફરો માટેની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા સહિતના મુદ્દાઓની સ્થળ પર જ તપાસ કરી હતી. મુલાકાત દરમિયાન ડેપોની કામગીરીમાં અનેક પ્રકારની ખામીઓ સામે આવતાં તેમણે જવાબદાર અધિકારીઓને સ્થળ પર જ ઠપકો આપ્યો હતો.

    હર્ષ સંઘવીએ કહ્યું કે, હાલમાં સાપુતારા ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બસ ડેપો સહિતની તમામ જાહેર સુવિધાઓ સંપૂર્ણ રીતે કાર્યરત રહેવી અત્યંત જરૂરી છે. પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે દરેક વિભાગે સતર્ક રહી કામગીરી કરવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું.

    મોન્સૂન ફેસ્ટિવલ વિશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું ?

    ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સાપુતારા માત્ર ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન જ નહીં, પરંતુ ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કુદરતી વૈવિધ્યતા અને હરિયાળી ઓળખનું પ્રતિક છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે અને દેશભરના પ્રવાસીઓને આકર્ષે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પ સાથે પ્રવાસન ક્ષેત્રને વિકાસનું મહત્વપૂર્ણ એન્જિન બનાવી રહી છે.

    તેમણે કહ્યું કે, પ્રવાસન માત્ર હરવા-ફરવાનો વિષય નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવતું અને રોજગારી, સ્વરોજગારી સર્જતું શક્તિશાળી માધ્યમ છે. સાપુતારાની મુલાકાતે આવતા પ્રવાસીઓથી હોટેલ ઉદ્યોગ, ટેક્સીચાલકો, સ્થાનિક ગાઈડ, મહિલા સ્વસહાય જૂથો, હસ્તકલાકારો, ખેડૂતો તથા નાના વેપારીઓને સીધો લાભ મળે છે. આ ફેસ્ટિવલ સ્થાનિક કલાકારો, લોકગાયકો, નૃત્યકારો અને હસ્તકલાકારોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે વિશાળ મંચ પણ પૂરું પાડે છે.

    સંઘવીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૫ના સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અંદાજે ૨.૬૧ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગત વર્ષે 1.43 લાખથી વધુ પ્રવાસીઓએ બોટિંગનો આનંદ માણ્યો હતો, જ્યારે અંદાજે 290 સ્ટોલ્સ દ્વારા સ્થાનિક હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના વેચાણથી આશરે રૂ. 1.57 કરોડની આવક થઈ હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને કારીગરોને નોંધપાત્ર આર્થિક લાભ મળ્યો હતો.

    ગુજરાત સરકાર સાપુતારાને વિશ્વસ્તરીય મોન્સૂન અને ઇકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે, પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સુવિધાઓ, સૌંદર્યકરણ, વે-સાઇનેજ અને અનુભવ આધારિત વિકાસના વિવિધ કાર્યો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમણે ડાંગના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓમાં થયેલા વિકાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    રાજ્યના પ્રવાસન મંત્રી જયરામ ગામીતે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ડાંગની આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને હસ્તકલાને દેશ-વિદેશ સુધી પહોંચાડવાનું અસરકારક માધ્યમ બન્યો છે. આ ફેસ્ટિવલના કારણે સ્થાનિક કલાકારો, મહિલાઓ, હોટેલ વ્યવસાય, પરિવહન ક્ષેત્ર અને નાના વેપારીઓને રોજગારી તથા આવકની નવી તકો મળી રહી છે.

    તેમણે જણાવ્યું કે, વર્ષ 2015 દરમિયાન આશરે 14.67 લાખ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી, જે તેની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે. ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ અંતર્ગત પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે રૂ. 3090 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેના પરિણામે સ્થાનિક યુવાનો માટે રોજગારી અને સ્વરોજગારની નવી તકો ઊભી થશે. 

    તેમણે સૌને પરિવાર સાથે સાપુતારાની મુલાકાત લઈને અહીંની પ્રાકૃતિક હરિયાળી, આદિવાસી સંસ્કૃતિ અને ફેસ્ટિવલના વિવિધ કાર્યક્રમોનો આનંદ માણવા અપીલ કરી હતી.

    ઉદ્ઘાટન સમારોહ બાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 13 રાજ્યોના 110 કલાકારો દ્વારા નેશનલ એવોર્ડી કોરિયોગ્રાફી આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે સ્થાનિક કલાકારોએ પરંપરાગત ડાંગી નૃત્યની મનમોહક રજૂઆત કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.

    આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામીત, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, પ્રવાસન સચિવ ડૉ. કુલદીપ આર્ય, પ્રવાસન કમિશનર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, સ્થાનિક જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, ડાંગ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply