દહેગામ તાલુકામાં ખારી નદીને પુન:જીવીત કરવાના અભિયાનનો પ્રારંભ
Live TV
-
નદીકાંઠાના નવ ગામોમાં રૂ. ૨૨૫ લાખના ખર્ચે ૧૮૮ વિકાસકામો હાથ ધરાશે : ગ્રામ વિકાસ કમિશનર શ્રીમતી મોના ખંધાર
રાજયભરમાં આગામી તા.૧ લી મે થી શરૂ થનાર જળ સંચય અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લા જળસ્ત્રાત્ર વિકાસ એક્મ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી દહેગામ તાલુકામાં ખારી નદીને પુન: જીવીત કરવાના નવતર અભિયાન અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ દહેગામ તાલુકાના ધારીસણા ગામે યોજવામાં આવ્યો હતો.
ગ્રામવિકાસ કમિશનર અને સચિવ શ્રીમતી મોના ખંધારે જણાવ્યું હતું કે, નદીઓને પુન: જીવીત કરવા માટે રાજય સરકારે આગામી તા. ૧ લી મે થી એક માસ માટે અતિ મહત્વનો કાર્યક્રમ અમલી બનાવ્યો છે, ત્યારે દહેગામ તાલુકાના ધારીસણા ખાતે ખારી નદીને પુન: જીવીત કરવાના નવતર અભિયાનના ભાગરૂપે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભુગર્ભ જળ સંચયના કામો માટે નવ ગામના લોકો શ્રમદાન દ્વારા સહયોગ આપે અને જળ સંચયના ભગીરથ કાર્યમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી.
ખારી નદીને પુન: જીવીત કરવા દહેગામ તાલુકાના ચેખલાપગી, કંથારપુરા, બાબરા, ધનીયોલ, નાના જલુન્દ્રા, બીલમણા, ધારીસણા, પાટનાકુવા અને વડવાસા એમ કુલ નવ ગામોમાં ૨૧ ચેકડેમ, ૭૯ પથ્થર પીચીંગ સાથે માટીવાળા, ૭૯ નાળા પ્લગ અને નવ હેકટરમાં વનીકરણ સહિત કુલ ૧૮૮ વિકાસકામો રૂ. ૨૨૫ લાખના ખર્ચે હાથ ધરાશે. આ કામોમાં સ્થાનિક ગામોના લોકો સહયોગ આપી શ્રમદાન કરી યોગદાન આપશે. તો ખારી નદી પાણીથી બારેમાસ ભરેલી રેહશે. જળ સંચય અને પાણી રોકીને માવી અને સૃષ્ટિ માટે અતિ મહત્વની યોજનાના સારા પરિણામો હાંસલ થશે.
દહેગામ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દહેગામ તાલુકા માટે પાણીની વિકટ સમસ્યાના નિવારણ માટે ખારી નદીને પુન: જીવીત કરવાની આ મહત્વાકાંક્ષી યોજનામાં ગ્રામજનો સહકાર આપી શ્રમદાન કરે. આ યોજનાથી દહેગામ તાલુકાના નવ ગામોમાં ભૂગર્ભ જળ સંચયના કામોથી પાણીની સમસ્યા હલ થશે.
જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સીના મુખ્ય કારોબારી અધિકારી નાદરસિંગ યાદવે પ્રાસંગિક પ્રવચનોમાં જણાવ્યું હતું કે, ખારી નદી કાંઠાના નવ ગામને આવરી લઇ ૯.૫ કી.મીની લંબાઇમાં ૩૫૩૭ હેકટર નદીનો કેચમેન્ટ વિસ્તાર આવરી લેવાશે. આ વિસ્તારમાં કુલ રૂ. ૬૩ લાખના ખર્ચે ૨૧ ચેકડેમ બાંધવાનું આયોજન હાથ ધર્યું છે.
ધારીસણા ખાતે મહાનુભાવોના હસ્તે ભીડભંજન હનુમાન મંદિર પાસે નદીના પટમાં યોજાયેલ આ કાર્યક્રમ સિંદુરના રોપાઓનું વૃક્ષારોપણ તથા ચેકડેમનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમના પ્રાયોજન નિયામક રમેશ દેસાઇ, ગાંધીનગર જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી હાથ ઘરેલ જળ સંચયના કારોની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ડીઆરડીએ નિયામક મનીષા પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
