દ્વારકાધીશને અખાત્રીજથી રથયાત્રા સુધી ફૂલોનાં વાઘાથી શણગારાશે
Live TV
-
આજે અખાત્રીજ છે અને તેનું ધાર્મિક મહત્વ ખૂબ હોય છે. દ્વારકાના જગતમંદિરમાં પણ આજ અખાત્રીજથી લઈને અષાઢ સુદ બીજ સુધી બે માસ દરમિયાન દ્વારકાધીશને ફૂલોનાં વસ્ત્રો બનાવીને લાડ લડાવવામાં આવશે. ઉપરાંત ભગવાનને ચંદનનો લેપ લગાવીને ગરમી ન લાગે તે માટે શૃંગાર કરવામાં આવશે.
ભગવાન માટે દરરોજ બપોરે એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી પૂજારી પરિવાર દ્વારા બદામનાં પાંદડા, ચમેલી, જુઈ, મોગરો, ગુલાબ સહિતનાં ફૂલોની કળીઓના વાઘા એટલે કે વસ્ત્રો બનાવવામાં આવે છે ને સાંજે ભગવાન રાજા ધીરાજને આ પુષ્પનો શૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે. સતત બે માસ સુધી ભગવાનને ભારે વસ્ત્રો અંગીકાર કરાતા નથી અને સોના ચાંદીનાં આભૂષણોને બદલે પુષ્પોનો શૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે.
આ વખતે લોકડાઉન ની સ્થિતિ ને ધ્યાન માં રાખી ને મંદિર ના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે અને પૂજારીઓ મંદિર ની ભીતર પરંપરાગત રીતે ભગવાનની સેવા ચાકરી અને પૂજન અર્ચન કરે છે, ત્યારે આ વિશેષ દિવસોમાં લોકો ડિજિટલ રીતે dwarkadhish.orgમાં લાઈવ દર્શન કરી શકશે.
