ધોલેરાના ખારાપાટમાં વન વિભાગનો નવતર પ્રયોગ: ‘ડ્રમ પ્લાન્ટેશન’થી ખીલી ઉઠ્યું હરિયાળું વન
Live TV
-
સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR) ની કઠિન અને ખારાશવાળી જમીન પર ગુજરાત વન વિભાગે એક સફળ નવતર પ્રયોગ કર્યો છે.
અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરાના એક્ટિવેશન એરિયામાં ‘ડ્રમ પ્લાન્ટેશન’ પદ્ધતિ અપનાવીને રણ જેવી જમીનને હરિયાળી બનાવી દેવામાં આવી છે.
આ વિસ્તારની જમીનમાં અત્યંત ખારાશ, ઊંચી ઇલેક્ટ્રો-કન્ડક્ટિવિટી અને પાણી ભરાઈ રહેવાની સમસ્યા હતી. આ પડકારોને પહોંચી વળવા વન વિભાગે છોડના મૂળિયાને ખારાશથી દૂર રાખવા પ્લાસ્ટિકના ડ્રમનો ઉપયોગ કર્યો હતો. આ ડ્રમમાં રેતી, પોષક માટી, વર્મી કમ્પોસ્ટ, સુકું ઘાસ અને કોકોપીટ ભરીને વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. ડ્રમમાં છિદ્રો કરી અને ટપક સિંચાઈ (ડ્રિપ ઇરિગેશન) દ્વારા મીઠું પાણી આપવામાં આવે છે.
ઓગસ્ટ 2025માં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં 15 વિવિધ પ્રજાતિઓના 3,200 રોપા વાવવામાં આવ્યા હતા. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે.અહીં હવે પક્ષીઓ અને પતંગિયા જેવા પોલીનેટર્સ આવતા થયા છે, અને કુદરતી ઘાસ પણ ઉગવા લાગ્યું છે.આ સફળતા બાદ, DSIRDA દ્વારા વધુ 20 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આગામી તબક્કામાં આ જ પદ્ધતિથી આશરે 50,000થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે. ભવિષ્યમાં ડ્રમને દૂર કરી તેને રિસાયકલ કરવામાં આવશે, જેથી પ્રોજેક્ટ સંપૂર્ણપણે પર્યાવરણલક્ષી અને ટકાઉ રહે.
