ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે, મુખ્યમંત્રી આજે ધોલેરામાં
Live TV
-
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ
ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. રાજય સરકાર ધોલેરા ખાતે સ્પેશ્યિલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆઇઆર) વિકસાવી રહી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ધોલેરા જશે વિવિધ યોજનાઓના શિલાન્યાસ કરશે અને આગામી યોજનાઓની જાહેરાત પણ કરશે.વિજય રૂપાણી ધોલેરા શહેર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન માટે મહત્વપૂર્ણ એવી પાયાની બે સુવિધાઓ રૂપે કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પીપળી-ધોલેરા પાણીની પાઇપ લાઇનના પ્રોજેકટનો શિલાન્યાસ કરશે. ધોલેરાના પાંજરાપોળ મેદાન ખાતે આજે યોજાનારા આ કાર્યક્રમમાં કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી આર.સી.ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.આ પ્રોજેકટ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ધોલેરા ખાતે જે કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાનનું શીલારોપણ કરવાના છે તે પ્લાન્ટની ક્ષમતા ૨૦ એમ.એલ.ડી.ની હશે. જેમાં ઔદ્યોગિક વિસ્તારમાંથી બહાર પડતું અશુદ્ધ પાણી એકઠું કરીને શુદ્ધિકરણ કરાશે. આ ૨૦ એમ.એલ.ડી.ના મુખ્ય પ્લાન્ટ સાથે એક માસ્ટર બેલેન્સીંગ રિઝર્વોઇર અને ૧૪ આંતરિક ઇફલ્યુઅન્ટ પમ્પીંગ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ધોલેરા વિસ્તારમાં તૈયાર થનારા વિશ્વના સૌથી મોટા ૫૦૦૦ મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાવર પાર્કની જાહેરાત કરશે. ૧૧ હજાર હેકટરમાં ફેલાયેલા આ સોલાર પાર્ક આવનારા દિવસોમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક બનશે. હાલ કર્ણાટકના પાવાગડા ખાતેનો ૨૦૦૦ મે.વોટનો સોલારપાર્ક વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ગણાય છે. તેનાથી આ પાર્ક અઢીગણો મોટો હશે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી ધોલેરા સર વિસ્તારમાં ભવિષ્યમાં તૈયાર થનારા કૌશલ્ય વિકાસ કેન્દ્રની પણ જાહેરાત કરશે.
