નર્મદામાં HIV/AIDS અંગે જનજાગૃતિ માટે 'રેડ રન મેરેથોન' યોજાઈ
Live TV
-
યુવાઓને HIV/AIDS, ટીબી અને સિકલ સેલ અંગે જાગૃતિ સાથે સુરક્ષિત વર્તનનો સંદેશ અપાયો
રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) અને ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS)ના માર્ગદર્શન હેઠળ ‘રેડ રન મેરેથોન’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શીવાનીબેન મહેતા અને ડિસ્ટ્રિક્ટ ટીબી-એચઆઈવી ઓફિસર ડૉ. ઝંખના વસાવા સહિતના મહાનુભાવોએ ફ્લેગ-ઓફ કરાવી મેરેથોન શરૂ કરાવી હતી. 2 ઓગસ્ટથી 12 ઓક્ટોબર, 2026 સુધી ચાલનારા ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.ઓ. માઢકના નેતૃત્વમાં નર્મદા જિલ્લાભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
મેરેથોનમાં પ્રોત્સાહક પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ અને ઇનામો આપી સન્માનિત કરાયા હતા : કાર્યક્રમ દરમિયાન યુવાનોને HIV/AIDSના લક્ષણો અને બચાવ વિશે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ, QR કોડ દ્વારા 'Self Risk Assessment' પ્રવૃત્તિ કરાવીને યુવાનોને પોતાના જોખમનું સ્વમૂલ્યાંકન કરવા પ્રેરિત કરાયા હતા.
HIV ઉપરાંત સિકલ સેલ એનીમિયા અને ક્ષયરોગ (ટીબી)ની તપાસ અને સારવાર અંગે માર્ગદર્શન પૂરું પડાયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ યુવાનોને નિયમિત રક્તદાન કરવાની પ્રેરણા આપીને રક્તદાન અને અંગદાન માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
