મહુવા ખાતે પીએમ મોદીના જન્મદિવસ પર યોજાશે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ
Live TV
-
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકારની 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે મહુવા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજાનારા આ વિશેષ કેમ્પમાં 623 વયોવૃદ્ધજનોને કુલ રૂ. 59,38,650ના ખર્ચે ૩,૪૧૨ જેટલા આવશ્યક સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ તથા ગ્રાહક બાબતોના મંત્રીના માર્ગદર્શન હેઠળ પહેલ
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી તથા ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ આ લોકકલ્યાણકારી પહેલ હાથ ધરવામાં આવી છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી અને ALIMCO દ્વારા આ તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મહુવા તાલુકાના વયોવૃદ્ધજનોને વિવિધ સાધનોની સહાય
મહુવા ખાતે યોજાનારા વિતરણ કેમ્પમાં અગાઉથી ઓળખ કરાયેલા વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ વિવિધ સહાયક સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં ૭૯ વ્હીલચેર, ૫૦૪ ચાલવાની લાકડીઓ, ૬૧૨ શ્રવણયંત્રો, ૯૪ કૃત્રિમ દાંત, ૪૨૯ કમરનાં પટ્ટા, ૧,૦૯૦ ઘૂંટણના સપોર્ટ, ૪૦ ખભાના સપોર્ટ, ૯૦ વોકર, ૨૮૦ સીટ કુશન અને ૧૯૪ કોમોડ સ્ટૂલનો સમાવેશ થાય છે. આ સાધનો વરિષ્ઠ નાગરિકોના દૈનિક જીવનમાં સરળતા લાવવા, તેમની ગતિશીલતા વધારવા તથા સ્વાવલંબનને પ્રોત્સાહન આપવાના હેતુથી વિતરિત કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં 8091 વરિષ્ઠ નાગરિકોની ઓળખ
ભાવનગર જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો વ્યાપક લાભ મળી રહે તે માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના અનુરોધને પગલે ALIMCO દ્વારા જિલ્લાભરમાં નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ગત 30 જૂન, 2025થી 16 જુલાઈ, 2025 રમિયાન યોજાયેલા તપાસ અને મૂલ્યાંકન કેમ્પોના આધારે સમગ્ર ભાવનગર જિલ્લામાં કુલ 8091 વરિષ્ઠ નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. આ તમામ લાભાર્થીઓને કુલ રૂ.7,65,69,036 ની કિંમતના કુલ 45,968 સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે.
આ સેવાકીય સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ધારાસભ્ય શિવા ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન, મહુવા નગરપાલિકા પ્રમુખ મિતલ, પ્રાંત અધિકારી સુસ્મિતા, જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી સુરેશ તેમજ ALIMCO ગુજરાતના ઇન્ચાર્જ મૃદુલ અવસ્થી સહિતના અનેક અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
