સંસ્કૃતિ સાથે વિકાસની સફર: તરણેતરના મેળામાં ગુજરાતની સિદ્ધિઓ દર્શાવતું પ્રદર્શન
Live TV
-
તરણેતરના લોકમેળામાં સૌની યોજનાઓથી લઈને ગિફ્ટ સિટી સુધીની સિદ્ધિઓ દર્શાવાઈ
વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસથી માહિતગાર થાય તે હેતુથી, માહિતી કમિશનરની કચેરી દ્વારા એક ભવ્ય વિકાસ પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે.
આ પ્રદર્શનમાં આકર્ષક બોર્ડ્સ દ્વારા ગુજરાતની સર્વાંગી વિકાસગાથાને પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન 'સૌની યોજના' અને 'સુજલામ સુફલામ જળ અભિયાન', 30 ગીગાવોટ ક્ષમતાવાળા હાઇબ્રિડ એનર્જી પાર્ક તથા પીએમ સૂર્યઘર યોજનાથી સજ્જ 'ગ્રીન પાવર્ડ ગુજરાત', દેશની પ્રથમ સેમિકન્ડક્ટર નીતિ ધરાવતું 'ફ્યુચરિસ્ટિક ગુજરાત', ભારતનું પ્રથમ પ્લગ-એન્ડ-પ્લે સ્માર્ટ સિટી 'ધોલેરા SIR' અને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ 'ગિફ્ટ સિટી' જેવી અદભુત સિદ્ધિઓ રજૂ થઈ છે.
આ ઉપરાંત, આરોગ્ય સુરક્ષા આપતી 'આયુષ્યમાન ભારત યોજના', પારદર્શી 'સ્વાગત' ઓનલાઈન ફરિયાદ નિવારણ વ્યવસ્થા, 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ', પ્રાકૃતિક ખેતી અને યુવાનો માટે રોજગાર-સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી પ્રગતિની ઝાંખી પણ કરાવાઈ છે.
તરણેતર મેળાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને પ્રદર્શન મંડપમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ અને ભરતભૂષણવાળી રંગબેરંગી છત્રીઓ સાથેના લોકસંસ્કૃતિના કટ-આઉટ્સ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જગાવી રહ્યા છે. આ સાથે સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી જેવા ધાર્મિક સ્થળો દર્શાવતું 'સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ', વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક વિકાસના માધ્યમથી સંસ્કૃતિ અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય સાધવામાં આવ્યો છે. વળી, ડિજિટલ એલઇડી સ્ક્રીન દ્વારા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ દર્શાવતી માહિતીપ્રદ ફિલ્મોનું પણ પ્રસારણ થઈ રહ્યું છે.
