નવજાત શિશુઓ માટે અમૃતધારા સમાન 'હ્યુમન મિલ્ક બેંક', 19 હજારથી વધુ બાળકોને મળ્યું નવજીવન
Live TV
-
ગુજરાતમાં નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવા અને દરેક બાળકને પૂરતું પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારની 'હ્યુમન મિલ્ક બેંક' (માનવ દૂધ બેંક) એક આશીર્વાદરૂપ પહેલ સાબિત થઈ રહી છે.
આ બેંક અકાળે જન્મેલા, ઓછા વજનવાળા અથવા માતાનું દૂધ ન મળી શકતું હોય તેવા બાળકો માટે જીવનરક્ષક બની રહી છે.
હજારો બાળકોને મળ્યો લાભ
રાજ્યભરમાં કાર્યરત આ મિલ્ક બેંકોમાં અત્યાર સુધીમાં 21,357 માતાઓએ દૂધનું દાન કરીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દાનથી 19,731 બાળકોને પોષણયુક્ત આહાર મળ્યો છે. ખાસ કરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં 646 માતાઓએ દાન કરેલા 183.18 લિટર દૂધથી 694 બાળકોને જીવન મળ્યું છે. આ ઉપરાંત, વડોદરાની SSG હોસ્પિટલની મિલ્ક બેંકને ગુણવત્તા માટેનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર (NQAS) પણ મળ્યું છે, જે ભારતની પ્રથમ હોસ્પિટલ છે.
સુરક્ષિત દૂધદાન અને સંગ્રહની વ્યવસ્થા
મિલ્ક બેંકમાં દૂધ સ્વીકારતા પહેલા દાતા માતાના તમામ તબીબી રિપોર્ટ ચકાસવામાં આવે છે, જેમાં HIV અને અન્ય ચેપી રોગોની તપાસ થાય છે. દૂધ એકત્ર કરવા માટે ઈલેક્ટ્રિક પંપનો ઉપયોગ થાય છે. દૂધને પેસ્ટરાઈઝ્ડ કર્યા બાદ -18 થી -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડીપ-ફ્રીઝમાં છ મહિના સુધી સુરક્ષિત રાખી શકાય છે. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકને સ્વચ્છ અને સુરક્ષિત દૂધ મળે.દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેનો હેતુ સ્તનપાનનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી દરેક બાળકને સ્વસ્થ જીવન મળી શકે.
