Skip to main content
Settings Settings for Dark

પાટણના મહેમદપુરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાઈ રાત્રિ સભા: “સ્વચ્છ, સ્વસ્થ, સંસ્કારી અને સમૃદ્ધ ગામ”ના નિર્માણ માટે ગ્રામજનોને આહ્વાન

Live TV

X
  • પાટણ તાલુકાના મહેમદપુર ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી આ સભામાં રાજ્યપાલએ ગ્રામજનો સાથે સીધો લોકસંવાદ સાધી ગ્રામ વિકાસના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલના આગમનને લઈને સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું.

    રાત્રિ સભાને સંબોધતા રાજ્યપાલે મહેમદપુર ગામને “મોટા દિલવાળા અને ભલા લોકોનું ગામ” ગણાવી ગ્રામજનોને પોતાના ગામને વધુ સુસંસ્કૃત, સ્વચ્છ, સ્વસ્થ અને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામનો સાચો વિકાસ માત્ર ભૌતિક સુવિધાઓથી નહીં, પરંતુ ગ્રામજનોની એકતા, સંસ્કાર, સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીથી થાય છે.

    રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વમાં “ગામડું એ ભારતનો આત્મા છે” ની ભાવનાને સાકાર કરવા ગ્રામ વિકાસને આપવામાં આવી રહેલા મહત્ત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વીજળી, આરોગ્ય, ઉત્તમ રસ્તાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ ખેતી અને પશુપાલન દ્વારા ગ્રામ્ય આવકમાં વધારો થાય તે દિશામાં સૌએ સાથે મળીને કાર્ય કરવાની હાકલ કરી હતી. રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ “જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી”ના ભાવને જીવનમાં ઉતારી પોતાની જન્મભૂમિ પ્રત્યે જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી. તેમણે સમરસ સરપંચ અને ગ્રામજનોની ટીમ બનાવી સફળ આદર્શ ગામોની મુલાકાત લઈ મહેમદપુરમાં રમત-ગમતનું મેદાન, અમૃત સરોવર, બગીચા, વૃક્ષારોપણ, પ્રભાતફેરી અને પંચાયતી સ્વચ્છતા જેવી પ્રવૃત્તિઓને વેગ આપીને ગામનો સર્વાંગી કાયાકલ્પ કરવા સૂચન કર્યું હતું.

    રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને સમયની આવશ્યકતા ગણાવી રાસાયણિક ખાતરો તથા કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, જળ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે અને ખેતીને વધુ ટકાઉ બનાવી શકાય છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા હોવાનું જણાવી રાજ્યપાલે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીના પોતાના લાંબા અનુભવ અને તેના પરિણામો અંગે પણ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.

    પશુપાલનને ગ્રામ્ય અર્થતંત્રનું મહત્ત્વપૂર્ણ અંગ ગણાવી રાજ્યપાલએ ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે દેશી નસલની ગાયોના સંવર્ધનના પોતાના 35 વર્ષના અનુભવો ગ્રામજનો સાથે વહેંચ્યા હતા. યોગ્ય બ્રીડિંગ અને વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓ અપનાવી ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવતા સેક્સ સોર્ટેડ સિમનનો લાભ પશુપાલકોને લેવા અપીલ કરતાં રાજ્યપાલે શ્રેષ્ઠ ઓલાદની વાછરડીઓનું સંવર્ધન કરીને પશુપાલનને વધુ નફાકારક વ્યવસાય બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલે ગ્રામજનોને પોતાના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમજ તેમને વ્યસનોથી દૂર રાખવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ વ્યક્તિ અને પરિવારના જીવનમાં કાયમી પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે.

    આઠમા કે દસમા ધોરણ બાદ અભ્યાસ છોડી દેનારા યુવાનો માટે આઈ.ટી.આઈ. તથા વિવિધ કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો દ્વારા પ્લમ્બર, કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન સહિતના વ્યવસાયલક્ષી કૌશલ્યો મેળવી દેશ-વિદેશમાં રોજગારીની તકો પ્રાપ્ત કરી શકાય છે. ગુટખા, દારૂ સહિતના વ્યસનોથી યુવાનો અને સમાજને દૂર રાખવા રાજ્યપાલે ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. તેમણે વ્યસનમુક્ત પરિવાર અને વ્યસનમુક્ત ગામના નિર્માણને સામૂહિક જવાબદારી ગણાવી હતી. રાજ્યપાલના આહ્વાનને પગલે ગ્રામજનોએ પણ મહેમદપુરને સ્વચ્છ, સ્વસ્થ, વ્યસનમુક્ત અને સમૃદ્ધ ગામ બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

    પ્રધાનમંત્રીના આહ્વાનને અનુરૂપ ગોચર તથા જાહેર જગ્યાઓ પર વ્યાપક વૃક્ષારોપણ કરવા અને સ્વચ્છતાને માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનાવવાની હાકલ રાજ્યપાલે કરી હતી. ગામની દરેક ગલી, જાહેર સ્થળો અને આસપાસના વિસ્તારો સ્વચ્છ રહે તે માટે ગ્રામજનોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ દ્વારા મહેમદપુર ગામમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી માટે રૂ.10 લાખની મંજૂરી આપવામાં આવી હતી. આ કામગીરીથી ગામમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા મહત્ત્વપૂર્ણ સહયોગ મળશે.

    આ રાત્રિ સભા દરમિયાન રાજ્યપાલશ્રીનો ગ્રામજનો સાથે થયેલો સીધો લોકસંવાદ માત્ર સંવાદ પૂરતો સીમિત ન રહેતા ગામના સર્વાંગી વિકાસ માટે સામૂહિક સંકલ્પમાં પરિવર્તિત થયો હતો. પ્રાકૃતિક ખેતી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્વચ્છતા, વૃક્ષારોપણ, પશુપાલન અને વ્યસનમુક્તિ જેવા વિષયો પર રાજ્યપાલના માર્ગદર્શનથી ગ્રામજનોમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જીનલબેન પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ.પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી, સરપંચ રોહિત દેસાઈ, અગ્રણી રમેશ સિંધવ, સ્થાનિક આગેવાનો, પ્રગતિશીલ ખેડૂતો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply