પોલીસ તંત્ર પહોંચશે પ્રજાને દ્વાર; વડોદરા શહેર પોલીસની નવતર પહેલ
Live TV
-
પોલીસ મદદની જરૂર હોય તો મોટેભાગે નજીકના પોલીસ મથકે જવું પડે અથવા નિયંત્રણ કક્ષનો ટેલીફોનીક સંપર્ક કરવો પડે છે, પરંતુ વડોદરા શહેર પોલીસે હવે સામે ચાલીને લોકો સુધી પહોંચવાની, પોલીસ કામગીરીને વધુ લોકાભિમુખ બનાવવાની દિશામાં એક નવતર પહેલ હાથ ધરી છે. શહેર પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ આ પહેલને સુરક્ષા સંવાદની ઓળખ આપવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે ગઈકાલે આ લોકકલ્યાણકારી નવી પહેલનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે આ તકે જણાવ્યું હતું કે, જે તે વિસ્તારના નાગરિકો સાથે સુરક્ષાની બાબતો જેમ કે મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમોના પાલનની જાગૃતિ અને સુરક્ષાને લગતા અન્ય વિષયોની આ સંવાદમાં જે તે પોલીસ મથકના પોલીસ અધિકારી અને સંબંધિત મદદનીશ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ નવા પ્રયોગથી સુરક્ષાની બાબતોમાં લોક સહભાગિતા વધશે, સુરક્ષા વધુ સુદ્રઢ, મજબૂત બનશે અને નાગરિકોના સકારાત્મક સૂચનો તંત્રની કામગીરીને વધુ અસરકારક બનાવવામાં ઉપયોગી થશે. સોસાયટીઓ તેમજ નાગરિક વસાહતોમાં આ પ્રકારના સંવાદો યોજવા તેમણે સૂચના આપી છે.
સુરક્ષા સંવાદના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત એક જાગૃત મહિલાએ જણાવ્યું કે, પોલીસ કેવી રીતે મદદરૂપ બની શકે તે પહેલીવાર જાણવા મળ્યું છે. જેઓ કાયદા પાલક છે, તેમણે પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ કામગીરીમાં સહયોગ આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, શહેર પોલીસની She team ઉમદા કામગીરી કરે છે, તુરંત કોલ એટેન્ડ કરે છે, અને સમસ્યા કે મુશ્કેલી જાણી સત્વરે જરૂરી પગલાં લે છે. વડોદરા શહેર પોલીસની આ નવી પહેલ પ્રજા અને પોલીસ તંત્ર વચ્ચે મિત્રતા અને સૌજન્ય વધારશે એવી અપેક્ષા રાખી શકાય.
