નર્મદા જિલ્લાએ દેશમાં મેળવી નામના; એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામની કામગીરીમાં દેશમાં અગ્રેસર
Live TV
-
મા નર્મદાના અહર્નિશ આશિષ પામેલા નર્મદા જિલ્લાને સરકારની યોજના હેઠળ સુખ-સુવિધાસભર બનાવવાની શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીયસ્તરે નામના મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માળખાકીય સુવિધાઓ અને સગવડો ઓછી છે, દેશના એવા ૧૧૮ જિલ્લાઓમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગે એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અમલમાં મૂક્યો છે. તેના અમલીકરણમાં નર્મદા જિલ્લો આ તમામ ૧૧૮ જિલ્લાઓમાં અગ્રસ્થાને છે, જે ગૌરવ લેવા યોગ્ય બાબત છે. તેના સુરેખ અમલ માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહના ઉત્સાહવર્ધક અને પ્રોત્સાહક નેતૃત્વ હેઠળ ટીમ નર્મદા સતત કાર્યશીલ છે.
આ પ્રોગ્રામ હેઠળ શિક્ષણના વિષયમાં ટીમ નર્મદાએ નેત્રદિપક કામગીરી કરી હોવાની ખુશાલી, આ પ્રોગ્રામના મિશન ડાયરેક્ટર રાજીવ રંજને એક પત્ર પાઠવીને ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર સમક્ષ વ્યક્ત કરી હતી. તેના શિરપાવ રૂપે નીતિ આયોગે નર્મદા જિલ્લાને વધારાનું રૂ.૩ કરોડનું અનુદાન ફાળવવાની જાહેરાત કરી છે. અગાઉ ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ શિક્ષણના નવીનીકરણ માટે રૂ. ૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવૈ હતી.
એસ્પીરેશનલ ડીસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હેઠળ શિક્ષણના વિષયમાં થયેલી નમૂનેદાર કામગીરીનો હર્ષ વ્યક્ત કરતાં જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે જણાવ્યું કે, શિક્ષણનું ઘણું સારું કામ નર્મદા જિલ્લામાં થયું છે. જિલ્લાની ૧૧૮ સરકારી પ્રાથમિક શાળાઓમાં તેના હેઠળ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. તેનાથી શિક્ષણ સુધારણામાં જિલ્લાને ખૂબ ફાયદો થવાનો છે. હું ટીમ નર્મદાના અથાક પરિશ્રમને બિરદાવું છું, તેમની કામગીરી સર્વશ્રેષ્ઠ રહી છે. મિશન ડાયરેક્ટરના પત્રમાં નર્મદા જિલ્લાના કલેક્ટર ડી. એ. શાહ અને તેમની ટીમની આ ઉત્તમ કાર્યશીલતાની નોંધ લેવાની પ્રોત્સાહક ભલામણ કરવામાં આવી હતી.
આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા જિલ્લાઓએ વિવિધ ક્ષેત્રોમાં સાધન સુવિધા વધારવા એક્શન પ્લાન બનાવીને કામગીરી કરવાની હોય છે, અને નીતિ આયોગનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ એકમ સંબંધિત જિલ્લાને બહેતર આયોજન કરવાનું માર્ગદર્શન આપે છે. નર્મદા જિલ્લો તેના હેઠળ કામગીરીના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુખ-સુવિધાસંપન્ન નર્મદા જિલ્લાના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે.
