પોષણ પખવાડિયા-2026માં ગુજરાત દેશમાં ચોથા ક્રમે: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ
Live TV
-
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા 'રાષ્ટ્રીય પોષણ અભિયાન'ને જનઆંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મક્કમ ડગલાં માંડ્યા છે. તાજેતરમાં 9 થી 23 એપ્રિલ, 2026 દરમિયાન ઉજવાયેલા 8મા ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે દેશભરમાં 4થો ક્રમ મેળવીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.
આ પખવાડિયા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના નેતૃત્વમાં રાજ્યભરમાં કુલ 73.14 લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ભારત સરકારના ડેટા મુજબ, રાષ્ટ્રીય સ્તરે થયેલી કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું યોગદાન 10.77 ટકા રહ્યું છે. આ અભિયાનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે સિંહફાળો આપતા 46.36 ટકા એટલે કે સૌથી વધુ 33.91 લાખ પ્રવૃત્તિઓ કરી છે, જ્યારે આરોગ્ય, શિક્ષણ અને પંચાયત જેવા 18થી વધુ વિભાગોએ પણ સક્રિય સહભાગીદારી નોંધાવી છે.
વર્ષ 2026ના પોષણ પખવાડિયાની મુખ્ય થીમ "જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો" રાખવામાં આવી હતી. બાળકના મગજનો 85 ટકા વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થાય છે, જે બાબતને ધ્યાને રાખીને આ વર્ષે ‘સ્વાસ્થ્ય માટે પોષણ’થી એક ડગલું આગળ વધીને ‘મગજના શ્રેષ્ઠ વિકાસ’ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ અભિયાનના પાંચ મુખ્ય સ્તંભ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સગર્ભા માતાનો આહાર, સ્તનપાન અને યોગ્ય પૂરક આહાર પર ભાર, સંવાદ, રમત અને સ્નેહ દ્વારા બાળકના મગજમાં મજબૂત જોડાણો બનાવવા પ્રોત્સાહન, આંગણવાડીઓમાં બાળકોને રમતગમત દ્વારા પ્રાથમિક શિક્ષણ આપી શાળાકીય પૂર્વ તૈયારી માટે તૈયાર કરવા જેવા વિષયોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બાળકોમાં વધતા ‘સ્ક્રીન ટાઈમ’ને ઘટાડી સક્રિય દિનચર્યા માટે વાલીઓને જાગૃતિ, લોકભાગીદારી અને CSR દ્વારા આંગણવાડીઓને આધુનિક અને સુવિધાજનક બનાવવી જેવા વિષયો અંગે જન જાગૃત્તિની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં પોષણ પંચાયતો, ક્વિઝ, પોસ્ટર સ્પર્ધા અને સામૂહિક જાગૃતિ કાર્યક્રમો દ્વારા પોષણનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવ્યો છે. પોષણ પખવાડિયાની સફળતા ગુજરાતની કુપોષણ મુક્ત બનવાની પ્રતિબદ્ધતા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેનું મક્કમ પગલું દર્શાવે છે.
