પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 50 લાખ આયુષ્યમાન કાર્ડના રાજ્યવ્યાપી વિતરણનો પ્રારંભ વર્ચુયલ માધ્યમથી કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, લાભાર્થીને રંગીન પીવીસી કાર્ડ દિવાળી પહેલા આપવાનું અભિયાન ઉપાડીને રાજ્ય સરકારે જરૂરિયાતમંદ નાગરિકોની મોટી સેવા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ યોજના ઘડતા પહેલા સાધારણ માણસની જિદગીમાં રહેલી તકલીફનો વિચાર કરવામાં આવતો હોવાથી યોજનાનું ઘડતર અને તેનો અમલ-બંને અસરકારક રહે છે. માતા અને બહેનોના સશક્તિકરણ ઉપર ભાર મુક્તા તેમણે ઉમેર્યું હતું કે, 5 લાખનો આરોગ્ય વીમો તેમણે બીમારીની આફતમાંથી ઊગારશે તેમાં શંકા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના 50 લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાના યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે આણંદ ટાઉનહોલ ખાતે ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, સાંસદ મિતેષભાઇ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ આપીને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, રોડ-રસ્તા સહિતના ક્ષેત્રમાં ગુજરાતે મોખરાનું સ્થાન હાંસલ કરીને સૌનો સાથ-સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કર્યો છે.
દ્વારકા જિલ્લામાં 15 હજાર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 15 હજાર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્ડ હેઠળ રૂપિયા 5 લાખ સુધીનો સારવાર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં દ્વારકા તાલુકા પંચાયત અધિકારી તાલુકા પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, આરોગ્ય વિભાગના ડોકટરો તેમજ સ્ટાફ અને ભાજપ આગેવાન સહદેવસિહ માણેકની ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતા.
વડોદરામાં ગંગા સ્વરૂપા 46 હજાર 963 બહેનોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા
વડોદરાના ડભોઈ ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો PMJAY યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રિન્ટેડ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગંગા સ્વરૂપા 46 હજાર 963 બહેનોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા હતાં. વડોદરા જિલ્લામાં યોજના અંતર્ગત કુલ 2 લાખ 84 હજાર 548 લાભાર્થીઓએ સારવારનો લાભ લીધો છે. તેનો અંદાજિત ખર્ચ રૂપિયા 441 પોઇન્ટ ૩૩ કરોડ તબીબી ખર્ચ લાભાર્થી વતી સરકાર દ્વારા પેનલની હોસ્પીટલોને ચૂકવવામાં આવ્યો છે.
ખેડા જિલ્લામાં કુલ 76 હજાર 840 PMJAY યોજનાના પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
ખેડા જિલ્લાના નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે મુખ્ય દંડક પંકજ દેસાઈની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડા જિલ્લામાં કુલ 76 હજાર 840 PMJAY યોજનાના પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્ય દંડક પંકજ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્યની સતત દરકાર કરી છે. રાજ્યમાં ચાલતી તબીબી અને સ્વાસ્થ્યને લગતી વિવિધ યોજનાઓ, સુવિધાઓ અને અભિયાનોની માહિતી આપી હતી. આજ દિવસ સુધીમાં ખેડા જિલ્લા ખાતે PMJAY-MA યોજના સાથે જોડાયેલ હોસ્પિટલ ખાતે જિલ્લાના કુલ 1 લાખ 26 હજાર 380 લાભાર્થીઓ ને રૂપિયા 226 કરોડ 24 લાખ ની રકમની વિના મૂલ્યે સારવાર મળેલ છે.
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં 1134 લોકોને PMJAY કાર્ડ આપવામાં આવ્યા
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં PMJAY કાર્ડ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા 50 લાખ લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ વિતરણ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ધનસુરા ખાતે આવેલ ઉમિયામાતાજી સમાજવાડી ખાતે કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 1134 લોકો ને PMJAY કાર્ડ આપવામાં આવ્યા હતા. PMJAY યોજના દરેક માટે ખુબજ સફળ સાબિત થઈ છે. ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને કેશલેસ આરોગ્ય સેવાઓ અને સારવાર મળે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનામાં કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ ની નિઃશુલ્ક સારવાર થશે.
